ગોંડલના વેરી પીર દરગાહ નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયેલા શાપર-વેરાવળના એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને આશરે ૧૮ કલાકની ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ભરત ઈશ્વરભાઈ રાઠોડ પોતાના મિત્ર સાથે બપોરે તળાવમાં ન્હાવા ગયો હતો. ટ્યુબ લઈને પાણીમાં ઉતર્યા બાદ અચાનક ટ્યુબ ઉંધી વળી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આસપાસના લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહોતી. કોટડા સાંગાણી ૧૦૮ ટીમ અને ગોંડલ નગરપાલિકાના ફાયર કર્મચારીઓએ આધુનિક સાધનોની મદદથી શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે









































