સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક જોવા મળી હતી. ૧૫થી ૨૦ હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. ઘઉંની હરાજીમાં ૨૦ કિલોના ભાવ રૂપિયા ૪૦૦ રૂપિયાથી લઈને ૬૫૦ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. ઘઉંની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ઘઉં ભરેલા વાહનોની ૩ થી ૪ કિ.મી. લાંબી લાઈન લાગી હતી. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્‌યું હતુંં. જગ્યાના અભાવે યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉંની આવકને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉંની આવક સદંતર બંધ કરવામાં આવી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુંં કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવક થતી હોય છે તેનું એક માત્ર કારણ એ છે કે ખેડૂતોને પોતાની જણસીનો પૂરતો ભાવ અહીં મળી રહે છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની દરરોજ ૧૫ થી ૨૦ હજાર ગુણી આવક થાય છે. આગામી દિવસોમાં ઘઉંની આવકમાં વધારો નોંધાશે. રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.