સૌરાષ્ટ્રના અગ્રણી અને ખેડૂતોના તીર્થધામ સમાન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની મબલખ આવક નોંધાઈ હતી. યાર્ડમાં ૫૦ થી ૬૫ હજાર કટ્ટાની આવક સાથે, હરાજીમાં ૨૦ કિલોના રૂ. ૪૦૦ થી રૂ. ૧૦૦૦ સુધીના ઊંચા ભાવ બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર સહિત દેશભરની મોટી કંપનીઓના વેપારીઓ અહીં ડુંગળીની ખરીદી માટે આવી પહોંચ્યા હતા. આવકના પ્રમાણને જોતાં યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી જાહેરાત સુધી ડુંગળીની આવક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વિશેષતા દર્શાવતા તેમણે ઉમેર્યું કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જેવા જિલ્લાઓના ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે આ યાર્ડને પ્રથમ પસંદગી આપે છે. અન્ય યાર્ડની સરખામણીમાં અહીં મળતા ઊંચા ભાવ આ પસંદગીનું મુખ્ય કારણ છે. આમ, ખેડૂતોની મહેનતને યોગ્ય વળતર મળતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.