ગોંડલ બસ સ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આજે ફળોની રાણી ગણાતી ગીરની પ્રખ્યાત કેસર કેરીનું વિધિવત આગમન થયું છે. ઉનાળાની સિઝનની આ પ્રથમ આવકમાં જસાધાર, કંટાળા અને મોતીસર ગામના ખેડૂતો ગણેશ ફ્રુટ નામની પેઢીમાં અંદાજે ૨૦૦ બોક્સ લઈને પહોંચ્યા હતા. આ વર્ષે કેસર કેરીની આવક ગત વર્ષની સરખામણીએ આઠ દિવસ વહેલી જોવા મળી છે. હરાજી દરમિયાન કેરીના ૧૦ કિલોના એક બોક્સનો ઊંચો ભાવ રૂ.૫૫૦૦ અને નીચો ભાવ રૂ.૨૫૦૦ બોલાયો હતો. રાદડિયા ફ્રૂટના વેપારી દિવ્યેશભાઈ રાદડિયાએ હરાજીમાં સૌથી ઊંચી બોલી લગાવી કેરીની ખરીદી કરી હતી.