દિવાળી સમયે ગોંડલ પંથકમાં ત્રણ સિંહણ આવી ચડી હતી. સૌપ્રથમ તો ગોંડલના વાસાવડ, રાણવા, મોટાદડવા સહિતના ગામોમાં ધામા નાખ્યા હતા. આ ગામોમાં રસ્તે રખડતા અને વાડીએ બાંધેલા પશુઓના મારણ કર્યા હતા. બાદમાં કોટડાસાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા અને અહીંના ગામડાઓમાં પણ પશુઓના મારણ કર્યા હતા. છેલ્લા અઠવાડીયાથી ગોંડલના લુણીવાવ, સિંધાવદર વિસ્તારમા ધામા નાખી પશુઓનું મારણ કરી રહી હતી. આથી સિંહણોની રંજાડ વધતા જૂનાગઢથી ટ્રેકરની ટીમ બોલાવી હતી અને ગત રાતે ત્રણેય સિંહણને ફોરેસ્ટ ખાતાએ ૫ કલાકની જહેમત બાદ પાંજરે પૂરી હતી. ફોરેસ્ટ ખાતાએ પાંજરે પૂરેલી સિંહણોને સાસણ રવાના કરી હતી ફોરેસ્ટ વિભાગ દ્વારા વીડી વિસ્તારમાં પાંજરૂ મુકી સિંહણોને પાંજરામાં પૂરવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે સિંહણો ૪થી ૫ કલાક બાદ પાંજરે પૂરાઇ હતી. સિંહણોને પકડવા માટે રિંગ પાંજરા મૂકાયા હતા. આ માટે ફોરેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારી, એસીએફ, આરએફઓ, ટ્રેકર ટીમ, વેટરનરીની ટીમ કામે લાગી હતી.