ગોંડલ શહેરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ અને દુર્ગાવાહિની-માતૃશક્તિના સંયુક્ત ઉપક્રમે સતત ૧૭માં વર્ષે શહેરના રાજમાર્ગો પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા-અર્ચના, મહાઆરતી અને શ્રીફળ વધેરીને પ્રસ્થાન કરાયેલી આ યાત્રામાં ૧૫૦૦થી વધુ ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. આ વર્ષની શોભાયાત્રામાં બે મહિલા બુલેટ સવારો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા અમર રામ ભક્ત હનુમાનજી મંદિર (ત્રિકોણીયા, સરદાર ચોક) થી શરૂ થઈ બસ સ્ટેન્ડ રોડ, વિક્રમસિંહજી રોડ, જેલ ચોક, નાની બજાર અને માંડવી ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રાનું સમાપન દેવપરા સ્થિત તરકોશી હનુમાનજી મંદિર ખાતે થયું હતું, જ્યાં બપોરે ૧૨ વાગ્યે સંતો-મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ભક્તોએ સમૂહ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા બજરંગ દળના જિલ્લા પ્રમુખ હિરેનભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.










































