ગોંડલમાં દશેરા નિમિત્તે ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજ ભવન ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ગોંડલની મુખ્ય બજારમાં રેલી સ્વરૂપે શોભાયાત્રા નીકળેલ હતી. કપુરીયા ચોકમાં સર ભગવતસિંહજી તથા કોલેજ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રા હવા મહેલ ખાતે પહોંચી હતી. આ અવસરે સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના હેતુથી તલવારબાજી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર સ્પર્ધકોને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ અને તેમને રાજવી પરિવાર તરફથી ભેટ પણ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે મહારાજા હિમાંશુસિંહજી ઓફ ગોંડલ, કુમાર જ્યોતિર્મયસિંહજી જાડેજા – હવા મહેલ ગોંડલ, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહજી જાડેજા, નગરપાલિકા ગોંડલ પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, રાજપૂત સમાજની તમામ સંસ્થાના પ્રતિનિધિઓ, વડીલો તથા યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.