રાજ્ય અને દેશના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા બે ભયાનક માર્ગ અકસ્માતોએ માનવતા હચમચાવી મૂકી છે. એક ઘટના ગુજરાતના ગોંડલ નજીક બની, જ્યારે બીજી દુર્ઘટના ઝારખંડના પહાડી વિસ્તારમાં સર્જાઈ હતી. બંને બનાવોમાં નિર્દોષ લોકોના જીવ ગયા અને અનેક પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા.
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ નજીક ગુંદાળા ચોકડી પાસે રાત્રિના સમયે એક બોલેરો પીકઅપ અકસ્માતનો ભોગ બની હતી. માહિતી મુજબ ગાડીનું ટાયર અચાનક ફાટતાં ચાલકનું વાહન પરનું નિયંત્રણ છૂટ્યું હતું. ગાડી બ્રિજની દિવાલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ પીકઅપમાં માછીમારીના સામાન અને ખાલી ગેસ સિલિન્ડરો સાથે લગભગ ૧૫ જેટલા શ્રમિકો ઉપર સૂતા હતા. અકસ્માત સમયે તેઓ ઊંચાઈ પરથી રોડ પર પટકાતા બે લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઝારખંડના હજારીબાગ જિલ્લાના ચૌપારણ વિસ્તારના દનુઆ ઘાટીમાં પણ એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પરિવાર લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે તેમની કાર પહેલા ટ્રેલર સાથે અથડાઈ અને ત્યારબાદ પાછળથી આવેલા ટ્રકે જારદાર ટક્કર મારી દીધી. બે ભારે વાહનો વચ્ચે ફસાઈ જવાથી કાર સંપૂર્ણપણે કચડી ગઈ હતી.
આ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત નિપજ્યા હતા. મૃતકોમાં પતિ-પત્ની, બે નાની દીકરીઓ, સગા સંબંધીઓ સહિતના લોકોનો સમાવેશ થાય છે. ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે બચાવ કામગીરી માટે પોલીસ અને એનએચએઆઇની ટીમોને ભારે મહેનત કરવી પડી હતી. ગેસ કટર દ્વારા કાર કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે. ખાસ કરીને પરિવારના એકમાત્ર બચેલા સભ્ય માટે આ ઘટના અસહ્ય દુઃખદ બની છે.






































