ગોંડલમાં અલ્પેશ કથીરિયાના વિરોધ બાદ બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રાજકોટમાં ગોંડલમાં અલ્પેશ કથીરિયાના વિરોધ કોંગ્રેસ પ્રેરિત હોવાનો કર્યો હતો. તો સામે અમિત ચાવડાએ આ આરોપોને ફગાવ્યા છે. અલ્પેશ કથીરિયા પર થયેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે ભાજપની અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે, કાયદા વ્યવસ્થા કથળતા જાય છે, ગૃહમંત્રીએ રાજીનામુ આપવું જોઈએ તેવી માગ કરી હતી.
ગઈકાલે રાજકોટમાં ગણેશ ગોંડલનો પડકાર ઝીલી અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા હતા. પાટીદાર યુવકોએ કથીરિયા, જીગીશા પટેલ, ધાર્મિક માલવિયાનું સ્વાગત કર્યુ હતું તો બીજીબાજુ તેમનો ઉગ્ર વિરોધ કરાયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા હતા, જ્યાં તેમના પર હુમલો કરાયો હતો, ગાડીનાં કાચ તોડી નાખવામાં આવ્યા હતા. કાળા ઝંડા લઈ ગ્રામજનોએ વિરોધ પણ કર્યો હતો. ગણેશ ગોંડલનું કહેવું છે કે ગામનાં લોકોએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. બંદુકની અણીએ કે ડરાવી-ધમકાવી લોકોનો વિશ્વાસ ન જીતી શકાય.
અલ્પેશ કથીરિયાના ગોંડલમાં આગમન થતાંં વિરોધમાં ગણેશ જાડેજાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ અલ્પેશ કથીરિયા અને અન્ય લોકો વિરુદ્ધ પણ પ્રદર્શન કર્યું. અલ્પેશ કથીરિયાના સમર્થકોની ચાર કારમાં તોડફોડ કરવામાં આવી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. તે સમયે ગોંડલ શહેર છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ વનરાજસિંહ જાડેજાએ સરકાર વતી ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈન્દ્રસિંહ જાડેજા, નિલેશ ચાવડા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાલા, લકીરાજસિંહ અને કેટલાક અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.