ગોંડલમાં ગત સાંજે છ વાગ્યા આસપાસ વેરી ડેમ ઓવરફ્‌લો થતાં આશાપુરા ડેમમાં વધુ પાણી આવવા લાગ્યું હતું. આથી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે તત્કાલ ખસેડવા જરૂરી હતા. આ અંગે સિંચાઈ વિભાગના નાયબ ઈજનેરનો મેસેજ મળતાં જ ગોંડલ શહેર, તાલુકા મામલતદાર, ફાયર બ્રિગેડ, આરોગ્ય ખાતા, પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે ધસી ગઈ હતી. દરમિયાન આશાપુરા ડેમમાં એક યુવક ડૂબતો દેખાતા ફાયરના બે જવાનો તત્કાલ કૂદી પડ્‌યા હતા અને યુવકને બચાવી કાંઠે લાવ્યા હતા. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે આખરે આ કવાયત મોકડ્રીલ હોવાનું ખૂલ્યું હતું.