ગોંડલ તાલુકાના વાછરા ગામે મધમાખીનું ઝુંડ વિફરતા ત્યાં રમી રહેલા બાળકો પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. જેથી ખેડૂતે મધમાખીથી બચાવવા બાળકોને ગોડાઉનમાં પુરી દીધા હતા. પરંતુ મધમાખીના ડંખથી ખેડૂત પોતાનો જીવ બચાવી શક્યા ન હતા. ગોંડલાના વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા (ઉ.વ.૬૯) પોતાના ખેતરે હતા ત્યારે બાજ પક્ષીએ આવી ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી અને ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર હુમલો કર્યો હતો. જે દામજીભાઈ જોઈ જતા બાળકો પાસે દોડી ગયા હતા બાળકોને તુરંત જ ગોડાઉનમાં ધકેલી દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ આ દરમિયાન ઝેરી મધમાખીના ઝુંડે દામજીભાઈને અસંખ્ય ડંખ મારી દેતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન તેઓનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
વૃદ્ધ ખેડૂતે પોતાની જીવની પરવા કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી હતી. ખેડૂતના મોતથી નાના એવા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયુ હતું.