ગોંડલના નાગડકા રોડ પર એકાઉન્ટન્ટને રોકી બે શખ્સોએ રૂ. ૩ લાખની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. લૂંટની ઘટનાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. મામલો પોલીસ સુધી પહોંચતા લૂંટારૂઓને પકડી પાડવા પોલીસ દ્વારા નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નાગડકા રોડ ઉપર આવેલ હિતેશભાઈ ગજેરાના રાઘવ કોટન સ્પીન મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ કનૈયાલાલ માયાણી સ્પ્લેન્ડર લઇને સ્પીનીંગ મીલના રૂ. ૩ લાખ બેંકમાંથી ઉપાડી મીલ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન નાગડકા રોડ ઉપર ઉભેલા બે શખ્સોએ તેમને રોકી ધોકો બતાવી ધાક ધમકીઓ આપી પૈસા તેમજ બાઈકની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને નાકાબંધી કરી હતી.