ગોંડલ તાલુકાના ચોરડી ગામ પાસે નેશનલ હાઈવે પર બ્રિજ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખોદકામ ચાલતું હતું તે દરમિયાન ભાદર ડેમની મુખ્ય પાઈપલાઈન તૂટી જતાં પાણીના ૨૫ ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા. ભર ઉનાળે જ્યારે પીવાના પાણીની ભારે તંગી હોય છે ત્યારે લાખો લિટર શુધ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. આ પાણીનો ધસમસતો પ્રવાહ ચોરડી ગામની શેરીઓમાં અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતાં જનજીવન ખોરવાયું હતું. ગામના માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જવાથી અને કાદવ-કીચડ થવાથી રહીશોને હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોએ તંત્ર અને એજન્સી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. લાઈનમાં પાણીનું દબાણ વધુ હોવાથી પ્રવાહ રોકવા માટે જેસીબીની મદદથી કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી.









































