(એ.આર.એલ),ભાવનગર,તા.૧૮
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં મનપાની વોટર વર્કસની ટીમે ગેરકાયદેસર નળ કનેકશન કાપવાની કામગીરી બીજા દિવસે યથાવત રાખી છે,ભાવનગર શહેરના ચિત્રા ફુલસર,કુંભારવાડા,રાધે કૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારોમાં મનપાની ટીમ કામગીરી કરી રહી છે,બે દિવસમાં ૨૫૦ જેટલા ગેરકાયદેસર નળ અને ૪૦ જેટલા મોટી લાઈનમાંથી લેવાયેલ ડાયરેકટ કનેક્શન કાપ્યા છે.પાણી ચોરી કરનાર સામે મનપાએ કરી કડક કાર્યવાહી બીજી તરફ પાણી ચોરી કરતા લોકો પાસેથી પેનલ્ટી અને પાણીનો ચાર્જ વસૂલ કરવામાં આવશે.
ઉપરાંત કુંભારવાડા વિસ્તારની અક્ષરપાર્ક સોસાયટી, શેરી નં-૩માં સપ્લાય લાઈનની અંદરથી જ એકથી વધુ પાઈપ દોડાવી લાઈન બ્લોક કરી પાણી ચોરી કરતા વધુ ૨ કનેક્શન ટ્રેસ કરી તમામ પાણી કનેક્શન કટ કરવામાં આવેલ છે. પાણી ચોરી કર્તાઓ પાસેથી પેનલ્ટી તેમજ પાણી ચાર્જ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે આ પ્રકારે કનેક્શન ટ્રેસ કરી ગેરકાયદેસર કનેક્શનો કાપવાની અને પેનલ્ટી તથા ચાર્જ વસુલવાની કાર્યવાહી સઘન ઝુંબેશ સ્વરૂપે શરૂ રહેશે તેમ વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
ભાવનગર મહાપાલિકા દ્વારા પાણીચોરી અટકાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી તપાસ કરવામાં આવી રહી છે અને ગેરકાયદે કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પેનલ્ટી તેમજ પાણી ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે તેથી પાણી ચોરી કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. પાણી ચોરી અટકાવવા માટે મહાપાલિકાએ હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.
બીએમસી મહી પરીએજ યોજનામાંથી ૭૦ થી ૭૫ એમએલડી પાણી માટે માસિક ૧.૨૦ કરોડ, શેત્રુંજી ડેમમાંથી ૯૦ થી ૯૫ એમએલડી પાણી માટે માસિક ૧.૪૦ કરોડ ખર્ચ કરે છે. તેમ છતાં દર મહિને ૨.૬૦ કરોડ રૂપિયા પાણી વિતરણ પાછળ વેડફાટ કરી રહ્યું છે. બીએમસી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા વેરાની વસૂલાત કરે છે. પરંતુ પ્રજા સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં નિષ્ફળ ગયું છે. શહેરીજનોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓને પ્રજાની હાલાકીની કોઈ અસર ન હોય તેમ જણાઈ રહ્યુ છે.