ગુજરાતમાં ભ્રષ્ટાચારને લગતી ફરિયાદોમાં સતત વધારો જાવા મળી રહ્યો છે. સામાન્ય લોકોમાં એવી છાપ ઘર કરી ગઈ છે કે સરકારી ઓફિસમાં નાણાં વગર કામ થતું નથી. રાજ્યમાં ભ્રષ્ટાચારનું આ સ્તર એટલું વ્યાપક બન્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ ૬૫૩ અધિકારીઓ કે કર્મચારીઓ સામે ૫૮૩ ફરિયાદો નોંધાઈ છે. આ આંકડાઓ સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની ગંભીરતા દર્શાવે છે.
આ ભ્રષ્ટાચારની પકડમાં આવેલા સરકારી વિભાગોમાં ગૃહ વિભાગ અન્ય તમામ વિભાગોને પાછળ છોડીને ટોચ પર છે. આંકડાઓ મુજબ, છેલ્લા ત્રણ વર્ષ (મે ૨૦૨૫ સુધી) દરમિયાન કુલ ૬૫૩ અધિકારી-કર્મચારીઓ સામે ફરિયાદ થઈ તેમાંથી એકલા ગૃહ વિભાગના જ ૨૯૨ અધિકારી-કર્મચારીઓ છે, જે કુલ અધિકારીઓના આશરે ૪૫ ટકા જેટલા થાય છે. કુલ ૫૮૩ ફરિયાદોમાંથી ૪૧ ટકા ફરિયાદો એકલા ગૃહ વિભાગ સામે નોંધાઈ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પોલીસ તંત્ર અને અન્ય આનુષંગિક સેવાઓ સાથે જાડાયેલા ગૃહ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે સૌથી વધુ પાવરધા સાબિત થયા છે.
ત્રણ વર્ષના આંકડાઓની વિગતોઃ
વર્ષ (જૂનથી મે) અધિકારી/કર્મચારી સામે ફરિયાદ નોંધાયેલ ફરિયાદો
૨૦૨૨-૨૩ ૨૦૨ ૧૮૧
૨૦૨૩-૨૪ ૨૨૬ ૨૦૨
૨૦૨૪-૨૫ ૨૨૫ ૨૦૦
કુલ (ત્રણ વર્ષ) ૬૫૩ ૫૮૩
વર્ષ ૨૦૨૨-૨૩ના આંકડા પર નજર કરીએ તો, ગૃહ વિભાગ ના ૯૧ અધિકારીઓ સામે ૭૪ ફરિયાદ થઈ હતી. એ પછી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ માં ૨૪ અધિકારી સામે ૨૪ ફરિયાદ અને મહેસૂલ વિભાગ માં ૧૭ ફરિયાદ નોંધાઈ હતી. શિક્ષણ, શહેરી વિકાસ અને આરોગ્ય જેવા વિભાગોમાં પણ ફરિયાદો નોંધાઈ છે. આ જ ટ્રેન્ડ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫માં પણ જળવાઈ રહ્યો છે, જેમાં ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણના અધિકારીઓ-કર્મચારીઓ લાંચ લેવામાં ટોચ પર રહ્યા છે.
ભ્રષ્ટાચારની ફરિયાદોમાં સૌથી વધુ સંખ્યા વર્ગ-૩ના કર્મચારીઓ સામે નોંધાઈ છે. છેલ્લા વર્ષ (૨૦૨૪-૨૫)ના આંકડા મુજબઃ
વર્ગ-૧ ના ૧૩ અધિકારીઓ સામે ૧૩ ફરિયાદ.
વર્ગ-૨ ના ૩૭ અધિકારીઓ સામે ૩૯ ફરિયાદ.
વર્ગ-૩ ના ૧૭૨ અધિકારી-કર્મચારીઓ સામે ૧૪૮ ફરિયાદ.
વર્ગ-૪ ના ૩ કર્મચારીઓ સામે ૩ ફરિયાદ.
આ આંકડા દર્શાવે છે કે, સૌથી વધુ સંખ્યામાં વર્ગ-૩ના કર્મચારીઓ લાંચ લેવાના મામલે સપડાયા છે, જાકે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ પણ આ દૂષણમાંથી બાકાત નથી.
રાજ્યના ગૃહ વિભાગના જણાવ્યા મુજબ, પકડાયેલા તમામ આરોપીઓ સામે સમયસર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ આરોપીઓ વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવા માટે જે તે વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. સરકાર ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાનો દાવો કરી રહી છે, પરંતુ સતત વધી રહેલી ફરિયાદો એ વાતનો પુરાવો છે કે સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરવા માટે હજી પણ વધુ કડક અને અસરકારક પગલાં લેવાની તાતી જરૂર છે, જેથી સામાન્ય માણસનો સરકારી કામોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે.










































