(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૬
નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસીન મલિકના આતંકવાદી સંગઠન જેકેએલએફ પર લાગેલા પ્રતિબંધને પાંચ વર્ષ માટે વધારી દીધો છે. સરકારે તેને ‘ગેરકાયદેસર એસોસિએશન’ ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જેકેએલએફ (યાસીન મલિક જૂથ) જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અને અલગાવવાદને વધારતી ગતિવિધિમાં સામેલ છે.
યાસીન મલિક સિવાય, ગૃહમંત્રાલયે જેકેપીએલ (મુખ્તાર અહમદ વાજા), જેકેપીએલ (બશીર અહેમદ તોતા), જેકેપીએલ (ગુલામ મોહમ્મદ ખાન) અને જેકેપીએલ (અઝીઝ શેખ) જૂથ પર પણ પ્રતિબંધ મુક્યો છે.
અમિત શાહે કહ્યું, “જો કોઇ દેશની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતાને પડકાર આપતો જોવા મળ્યો તો તેને કડક કાયદેસરના પરિણામ ભોગવવા પડશે.” તેમણે કહ્યું કે મોદી સરકારે ‘જમ્મુ કાશ્મીર પીપુલ્સ ફ્રીડમ લીગ’ને પણ અલગાવવાદને ભાર આપવા માટે પ્રતિબંધિત ગ્રુપ જાહેર કર્યું છે.
ગૃહ મંત્રાલયની કાર્યવાહી એવા સમયે થઇ છે જ્યારે ભારતનું ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરવા જઇ રહ્યું છે. ૧૬ માર્ચે લોકસભા અને કેટલાક રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવશે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે.
આ પહેલા ૧૨ માર્ચે સરકારે જમ્મુ કાશ્મીર નેશનલ ફ્રંટને ગેરકાયદેસર જૂથ ગણાવતા તેના પર પ્રતિબંધ મુક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું, ‘મોદી સરકારે જમ્મુ કાશ્મીર નેશનલ ફ્રન્ટને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. સંગઠનને જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવા અને આતંકવાદનું સમર્થન કરવા, રાષ્ટની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતાને પડકાર આપવા માટે અલગાવવાદી ગતિવિધિઓને અંજામ આપતા જોવા મળી છે.”