આજે અમદાવાદમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે નવી બસનું લોકાર્પણ કર્યુ છે. આજે અમદાવાદના જીએમડીસી મેદાનમાં એસટી વિભાગની બસોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હર્ષ સંઘવીએ ૩૦૦ જેટલી બસોનું લોકાર્પણ કર્યુ છે. ૧૫ મહિનામાં ૧૭૦૦થી વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.
૧૪ મહિના પહેલા ૨ લાખ મુસાફરો વધારવાનો ટાર્ગેટ પણ પૂર્ણ થયો હોવાની માહિતી આપી છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બસમાં સ્વચ્છતાની તકેદારી રાખવા માટે પણ અપીલ કરી છે. આ ઉપરાંત બસના કાચમાંથી પિચકારી મારવાનું બંધ કરવા અંગે પણ જણાવ્યુ હતુ.
આ સાથે જ મંત્રીએ મુસાફરી કરતા લોકોના આંકડા આપતા કહ્યું કે, પહેલા રાજ્યમાં દરરોજ ૨૫ લાખ લોકો એસ.ટી બસમાં મુસાફરી કરતા હતા, જ્યારે આજે દરરોજ ૨૭ લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે, જે આનંદની વાત છે. આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યા વધીને ૩૦ લાખ થાય તે દિશામાં રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ તકે એસ.ટી બસોના ડ્રાઈવર અને કંડકટરો પર પુષ્પગુચ્છની વર્ષા કરીને અભિવાદન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ એસટી બસોના ડ્રાઇવર-કન્ડક્ટરની પ્રશંસા કરતા કહ્યું કે એસ.ટી બસોના ઈમેજના બદલાવમાં મહત્તમ ફાળો ડ્રાઈવર અને કંડકટરોનો પણ છે. મુસાફરોના સુખદ પ્રવાસના તેઓ માધ્યમ બન્યા છે.
આજે પ્રસ્થાન કરાવેલી ૩૦૧ જેટલી નવીન બસોની વિશેષતા વિશે વાત કરીએ તો, ૫૯ જેટલી બસો સુપર એકસપ્રેસ છે જ્યારે ૧૭૭ જેટલી બસો રેડી.બિલ્ટ સુપર એકસપ્રેસ છે. આ ઉપરાંત ૩૨ જેટલી બસો સેમી લક્ઝરી (ગૂર્જર નગરી) અને ૩૩ જેટલી બસો સેમી સ્લીપર કોચવાળી ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, સાંસદ ડા.કિરીટભાઇ સોલંકી, શહેરના ધારાસભ્યઓ તેમજ અમિતભાઈ શાહ, હર્ષદભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, દર્શનાબેન વાઘેલા, બાબુસિંહ જાદવ, અમૂલભાઇ ભટ્ટ, મ્યુનિ. સ્ટેનડીગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, જીએસઆરટીસીના સેક્રેટરી નિર્મલ રવી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.