આજે દેશ ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. ગુલામીમાં જીવતી પ્રજા એકજૂટ થઈને અંગ્રેજા સામે લડી અને દેશ આઝાદ થયો પરંતુ ર૬ જાન્યુઆરી અને ૧પ ઓગષ્ટ જેવા બંને પર્વ માત્ર સરકારી અને શાળાકિય બની ગયા છે. દેશની જનતાને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઓછો રસ છે. અડધી કલાકનો સમય કાઢીને શાળાઓના કાર્યક્રમોમાં ભાગ લેવાનો સમય જનતા પાસે રહ્યો નથી.
ભારતની ગુલામી માત્ર વિદેશી શાસનની ગુલામી ન હતી પરંતુ દેશની ખેતી, ગામડાઓ અને ખેડૂતોને નબળા પાડવાનું સુ-આયોજીત ષડયંત્ર હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારના બહાને ભારતમાં આવી અને ધીમે-ધીમે સમગ્ર દેશ ઉપર શાસન સ્થાપી દીધું. અંગ્રેજાએ જમીનદારી રૈયતવારી, મહાલવાટી જેવી જમીન ખેડાણ વ્યવસ્થાઓ અમલમાં મૂકી દીધી. જેના કારણે ખેડૂતો ઉપર ભારે કરનો બોજ આવી પડયો. પાક-ઉપજ નિષ્ફળ જાય તો પણ કર માફ કરવામાં ન આવતો પરિણામે ખેડૂતો અંગ્રેજાના શાસનમાં દેવામાં ફસાયા, જમીનો ગુમાવવાનો વારો આવ્યો અને ખેડૂતો અને ગામડાઓ ગરીબી તરફ ધકેલાઈ ગયા.
અંગ્રેજાના શોષણ સામે પહેલો અવાજ ઉઠાવ્યો ખેડૂત સમાજે, ચંપારણ્ય સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ જેવા આંદોલનો માત્ર સ્થાનિક પ્રશ્નો માટે ન હતા પરંતુ દેશના સ્વાતંત્ર્ય સંઘર્ષના મજબૂત આધારસ્તંભ બન્યા. આ આંદોલનો દ્વારા ખેડૂતોની એકતા અને જાગૃતિ વધી, ૧૮પ૭ની પ્રથમ સ્વાતંત્ર્યની લડતથી ભગતસિંહ, ચંદ્રેશખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓના બલિદાનો અને ત્યારબાદ મહાત્મા ગાંધીના જન આંદોલનના પરિણામે અંગ્રેજ શાસનના પાયા હલબલી ગયા.
આઝાદી પછી દેશ સામે બે મોટા પડકાર ઉભા થયા. પ્રથમ દેશની એકતા અને અખંડીતતા જાળવવી અને બીજા ખેતી અને ગામડાઓનું પુનઃનિર્માણ કરવું. સરદાર પટેલના નેતૃત્વ હેઠળ રજવાડાઓને ભારત સાથે જોડીને અંખડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રથમ રજવાડું ભારતમાતાના ચરણે મુકનાર પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીને અંખડ ભારત કયારેય ભુલી ના શકે. અંખડ ભારત બાદ, પંચાયતી રાજ વ્યવસ્થા થકી ગામડાઓની લોકભાગીદારી શાસન વ્યવસ્થાઓ શરૂ થઈ.
ખેતીમાં હરિત ક્રાંતિ દ્વારા ભારત ખાદ્ય અન્નમાં આત્મનિર્ભર બન્યું, સિંચાઈ યોજનાઓ, ઉચ્ચ ગુણવત્તાવાળા બિજ અને ખાતર તેમજ જમીન સુધારણાઓથી ખેત ઉત્પાદન વધ્યું, સહકારી સંસ્થાઓ મારફતે આધાર અને લાભો મળ્યા છે. આમ છતાં ખેતીની જમીનો દિવસે-દિવસે ટૂંકી થતી જવી, હવામાનની અનિશ્ચિત સ્થિતિઓ અને ભાવોની અસમાનતા વચ્ચેસ્થિતિ સુધારા સાથે આજે પણ પડકારજનક છે. ભૂતકાળની સરકારોએ પોતાની યોગ્યતા સાથે કામો કર્યા છે.
ર૦૧૪ થી કેન્દ્રમાં સ્થિર સરકાર બનતા ખેતી અને ગામડાઓના વિકાસને વધુ પરિણામલક્ષી અને માળખાગત દિશા આપવાનો પ્રયત્ન થયો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવામાં આવ્યો, દેશના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા, ‘‘પર ડ્રોપ મોર ક્રોપ’’ જેવી યોજનાઓ અને સુક્ષ્મ પિયત યોજનાઓ હવે ડ્રોનના ઉપયોગ થકી આધુનિક ખેતી તરફ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં આગળ વધી રહ્યો છે. ગામડાઓને વિકાસની હરોળમાં લાવવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, શૌચાલય, પિવાના પાણીની વ્યવસ્થા, આવાસ યોજના, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
જ્યારે જ્યારે ખેડૂતો અને ગ્રામીણ જનતા સજાગ બની અને જાગૃત બની ત્યારે રાજકીય નિતિઓ સ્પષ્ટ બની અને પરિણામલક્ષી બની છે.
આઝાદના ફળો અંત્યોદયના ભાવો સાથે ખેડૂતો મજબૂત તો ગામડાઓ સમૃધ્ધ, આજે ખેતી, ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે સરકારની દ્રષ્ટી સ્પષ્ટ છે. ત્યારે જ અખંડ ભારત અને આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર થતી જણાય છે. સહુને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ સાથે શહીદોનું બલિદાન એળે ન જાય અને ઈતિહાસની ભાવિ પેઢીને વાકેફ કરતા રહીએ એ જરૂરી છે.

:: તિખારો::
સાથે રહીને જે દગો કરે છે એનાથી મોટો કોઈ જ શત્રુ નથી, અને જે આપણી ભૂલો ખુલ્લીને મોઢા ઉપર કહી દે છે તેનાથી મોટો અને મહાન કોઈ મિત્ર જ નથી હોતો. યાદ રાખજો…