ભારતીય ક્રિકેટને ફાસ્ટ બોલરના રૂપમાં એક નવો સ્ટાર મળ્યો છે. અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા પંજાબના યુવા પેસર ગુર્નૂર બ્રારે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે પહેલા ફક્ત એક ભારતીય બોલરે હાંસલ કર્યો હતો. ૧૭ જૂને અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં, ગુર્નૂરે ૧૦ ઓવર ફેંકી અને ૬૦ રન આપીને ૩ વિકેટ લીધી. આ પ્રદર્શન સાથે, તેણે પોતાની કારકિર્દીની પ્રથમ બે વનડેમાં ત્રણ વિકેટ લેવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી.
૨૬ વર્ષીય ગુરનૂરે અફઘાનિસ્તાનની ઇનિંગ્સના આઠમા ઓવરમાં રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરીને પોતાની પહેલી વિકેટ લીધી. ત્યારબાદ તેણે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને બોલ્ડ કર્યો અને પછી ૪૦મી
ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ સલીમ સફીને આઉટ કરીને પોતાની ત્રીજી વિકેટ લીધી.
હકીકતમાં, ગુરનૂરે ૧૩ જૂન, ૨૦૨૬ ના રોજ અફઘાનિસ્તાન સામે પોતાનો વનડે ડેબ્યૂ કર્યો હતો. તેની પહેલી મેચમાં તેણે માત્ર ૪.૫ ઓવરમાં ૨૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હવે, બીજી મેચમાં ત્રણ વિકેટ લઈને તેણે રેકોર્ડ બુકમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ગુરનૂર બ્રાર પોતાની પહેલી બે વનડેમાં ઓછામાં ઓછી ત્રણ વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બન્યા છે. લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ અગાઉ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ચાવલાએ ૨૦૦૭ માં બાંગ્લાદેશ સામેની પોતાની પહેલી વનડેમાં ત્રણ વિકેટ લીધી હતી અને આયર્લેન્ડ સામેની પોતાની બીજી મેચમાં ત્રણ બેટ્સમેનોને આઉટ પણ કર્યા હતા. જોકે,વનડે ડેબ્યૂમાં ભારતનો શ્રેષ્ઠ બોલિંગ ફિગર પ્રસિદ્ધ કૃષ્ણનો છે, જેમણે ૨૦૨૧ માં ઇંગ્લેન્ડ સામેની પોતાની પહેલી વનડે માં ૪/૫૪ લીધો હતો. જોકે, તે પછીની મેચમાં માત્ર બે વિકેટ જ મેળવી શક્યો.
ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૨૧ બોલરોએ વનડે ડેબ્યૂમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લીધી છે, પરંતુ ગુર્નુર બ્રાર હવે તેમની પહેલી સતત બે મેચમાં આ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયા છે. દરમિયાન, આ મેચમાં ભારત માટે ઝડપી બોલર પ્રિન્સ યાદવે પણ વનડે ડેબ્યૂ કર્યું. લખનૌ સુપર જાયન્ટ્સના યુવા બોલરે ૭.૩ ઓવરમાં ૫૬ રન આપીને ૨ વિકેટ લીધી.












































