ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય,
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.
જન્મતાની સાથે જ શિખામણની સીડી, સમજણની સોડમ અને સંસ્કારોની સાંકળ સાથે લઈને જ ચાલવાનું હોય છે અને એ સમયાંતરમાં આપણાં બધાનાં જીવનનો સૌથી મોટો ગુરુ એટલે ‘મા’. શિષ્ય બની ‘મા’ ના ગર્ભમાં જ આપણે ગર્ભજ્ઞાન લેવાનું શરુ કરી દઈએ છીએ. આજે ગુરુપૂર્ણિમા, એટલે લાગણીઓને શબ્દોનું સ્થાન આપીને બસ ઓછા શબ્દોમાં ઘણું કહેવું છે. શિષ્ય અને ગુરુની ધર્મ અંતર્ગત ઘણી કહાનીઓ આપણે સાંભળેલી છે જેમ કે, અર્જુન-શ્રીકૃષ્ણ, એકલવ્ય-દ્રોણાચાર્ય.. પુરાણોના રચિયતા વેદવ્યાસજીને ગુરુમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે અને એમનાં જન્મદિવસને ગુરુપૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ તો થઇ સતયુગ અને પુરાણોના સમયની વાત. હવે આજના ૨૧મી સદીના સમયમાં સત્ય-અહિંસા, પ્રામાણિકતા, પુરુષાર્થ અને સંસ્કારોનું સાચું સિંચન કરે એવાં ગુરુની શોધ કરવી થોડી અઘરી તો બની જાય પરંતુ આ કાળા કોયલા જેવા કળિયુગમાં ‘મા’નું અસ્તિત્વ હજી પણ એ જ છે અને ‘મા’થી મોટો કોઈ ગુરુ નથી જે આપણને જિંદગીના દરેક પાઠ અને શિખામણ બહુ જ પ્રેમથી ભણાવે. ‘મા’ પછી બીજો ગુરુ ‘પિતા’ને ગણી શકાય જે દુનિયાદારીની દરેક રીતથી આપણને વાકેફ કરાવે. શાળામાં પહેલું પગથિયું ભરતા જ, બે હાથ જોડી આપણે ‘નમસ્તે માસ્તર’ કહીએ છે ને એ આપણા ત્રીજા ગુરુ. આ મુખ્ય ત્રણ ગુરુઓ પાસેથી શીખવેલું દરેક પ્રકારનું જ્ઞાન જીવનના દરેક તબક્કે આપણને કોહીનુરના હીરા જેવું લાગે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
સાથે સાથે જિંદગીના દરેક તબક્કે આપણે કોઈની ને કોઈની પાસેથી કાંઈકને ને કાંઈક જ્ઞાન લેતા હોઈએ છીએ અને જે સમયે સાચું અને સમજણભર્યું જે કંઈ પણ જ્ઞાન આપણને મળે એ આ જ્ઞાન જેની પાસેથી ગ્રહણ કરીએ એ જ્ઞાનનો સદુપયોગ કરીને સંકટ સમયે સાચો રસ્તો મળે એ વ્યક્તિ આપણાં માટે કોઈ ગુરુથી ઓછી નથી.
સંત કબીર એ સુંદર દોહા માં ગુરુ શિષ્ય નો સંબંધ જણાવ્યો છે. સનાતન ધર્મ માં ગુરુ શિષ્ય ની પરંપરા અનંત કાળ પૂર્વ થી ચાલી આવી રહી છે. રામાયણ, મહાભારત અને કળિયુગ કાળ માં મોટા મોટા રાજાઓ એ ગુરુ પાસે થી શિક્ષા પ્રાપ્ત કરી શાસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા નું જ્ઞાન પ્રાપ્ત કરી એમના જીવન ને ધન્ય કર્યું છે.
જગત માં કેટલાય જુદા જુદા સંબંધો છે, જેમ કે પિતા-પુત્ર, માતા-પુત્ર અથવા પુત્રી, પતિ-પત્ની વગેરે., અને જગત માં ગુરૂ-શિષ્ય જેવા નાજુક સંબંધો પણ હોય છે. આ એવો સંબંધ છે જેમાં ગુરૂ ને સમર્પણ કર્યા પછી શિષ્ય આખી જીન્દગી નિષ્ઠાપૂર્વક તેમની સેવા છે, અને તેમના પ્રત્યે પોતાનો પરમ વિનય વધારતો રહે છે, તે ગુરૂ ની આજ્ઞા માં રહે છે અને વિશેષ પ્રકારની પરમ આધ્યાત્મિક સિદ્ધિ મેળવે છે.
સંત કબીરે ગુરૂ શિષ્યના સબંધ પર ખૂબ સારી રીતે સમજાવ્યુ છે કે,
સંત કબીરના ગુરુ મહિમા ના પ્રસિદ્ધ દોહા
कुमति कीच चेला भरा, गुरु ज्ञान जल होय |
जनम – जनम का मोरचा, पल में डारे धोया ||
કુબુદ્ધિ રૂપી કીચડ થી શિષ્ય ભરેલો છે, ગુરુ નું જ્ઞાન પાણી છે. એમાં એનું સામર્થ્ય છે કે તે શિષ્યો ના જન્મ જન્મ નું જ્ઞાન પલ ભર મા દુર કરી છે.
गुरु कुम्हार शिष कुंभ है, गढ़ि – गढ़ि काढ़ै खोट |
अन्तर हाथ सहार दै, बाहर बाहै चोट ||
માટી ના વાસણ સમાન શિષ્ય માટે ગુરુ કુમ્હાર ની જેમ હોય છે. જેમ કુમ્હાર માટીના ઘડા નું નિર્માણ સમયે અંદર થી સહારો આપીને બહાર આકાર આપીને એને તૈયાર કરે છે. એની જેમ ગુરુ પણ શિષ્ય ને આંતરિક રૂપ થી મજબુત કરીને એની બહારની બધી ખરાબીઓ ને નષ્ટ કરે છે.
ભગવાન થી પણ મોટા કહેવામાં આવ્યા છે ગુરુ
ગુરુ વગર ઈશ્વર ને કોઈ મેળવી શકતું નથી. કારણ કે વગર ગુરુ ના આપણે પશુ સમાન છે અને ત્યારે આપણે અજ્ઞાન માં જ જીવીએ છીએ અને ઈશ્વર માં વિશ્વાસ નથી કરતા.
હરી રૂઠે ગુરુ ઠૌર, ગુરુ રૂઠે નહિ ઠૌર
જયારે ભગવાન રિસાઈ જાય તો ગુરુ સહારો આપી દે છે પરંતુ જો ગુરુ જ રિસાઈ જાય તો એને કોઈ સહારો આપતું નથી.
गुरूर्ब्रह्मा गुरूर्विष्णु र्गुरूदेवो महेश्वरः।
गुरुः साक्षात परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ની સમાન છે. ગુરુ તો સૌથી મોટી સત્તા બ્રહ્મ પણ છે. આ કારણે સૌથી મોટી શક્તિ ગુરુ ને નમન છે.