આપણા દેશમાં ઉપલબ્ધ ફળોમાં નાળિયેર અત્યંત ઉપયોગી ફળ છે. જે ભૂખની સાથે પ્યાસ પણ બુઝાવે છે. તેને શુભફળ તથા શ્રીફળ અર્થાત લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. એક ચીની કહેવત પ્રમાણે વર્ષમાં જેટલા દિવસો છે તેટલા ગુણો નાળીયેરમાં છે. નાળીયેરનું એક વૃક્ષ ઉગાડવાનો અર્થ છે. પોતાના પરિવાર માટે ખાવા, પીવા, કપડા, મકાન, વાસણ, ઈંધણ વગેરે બાબતોની વ્યવસ્થા કરવી. ભારતીય લોક વ્યવહારમાં નાળિયેરનું વિશેષ મહત્વ છે. તે માંગલિક ફળ માનવામાં આવે છે. નાળીયેરની મલાઈ, પાણી, તેલ, ફલ, મૂળ તથા છાલ બધાનું ઓૈષધિય મહત્વ છે. આર્યુવેદ અનુસાર નાળીયેરની મલાઈ, શીતળ, પુષ્ટિકારક, બળદાયક, વાત, પિત્ત અને રકતવિહાર નાશક હોય છે. જેનું પાચન થવામાં સમય લાગે છે. તે મૂત્રાશય શોધક માનવામાં આવે છે.નાળીયેરનું ટોપરુ
મધુર, પૌષ્ટિક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, બલવીર્યવર્ધક તથા મળ અવરોધક હોય છે. નાળીયેરમાં ઉચ્ચ કોટીનું પ્રોટીન હોય છે. જયારે નાળીયેર પાકી જાય છે ત્યારે તેના ટોપરામાં ચીકાશ તથા કાર્બોહાઈડ્રેટ વધે છે. લીલા નાળીયેરની મલાઈમાં અનેક પોષક તત્વ હોય છે. જે પાચનક્રિયામાં મદદગાર બને છે. માથાનો દુઃખાવો, ગેસની ટ્રબલ અને આંતરડાના અલ્સરમાં ઉપયોગી ઔષધિ છે. ચહેરાની કરચલી દૂર કરવામાં તે ખૂબજ સહાયક છે, કારણ કે તેમાં ચીકાશ અને સ્ટાર્ચ હોય છે. નાળીયેરના ટોપરાનું દુધ કુપોષિત બાળકોને આપવામાં આવે તો તે ખુબજ ગુણકારી સાબિત થાય છે.
લીલા નાળીયેરનું પાણી પીવાથી પેશાબ સાફ આવે છે. માસિક ધર્મ નિયમિત થાય છે. મગજની નબળાઈને દૂર કરે છે તથા શરીરને પુષ્ટ બનાવે છે.
• મોઢામાં છાલા પડયા હોય તો નાળીયેરનું સુકું ટોપરૂ તથા સાકર મેળવીને ખાવાથી લાભ થાય છે.
• લીલા નાળીયેરની મલાઈ રપ ગ્રામ લઈ તેને તેલ સાથે ખાવાથી પેટના કીડા નીકળી જાય છે.
• વહેલી સવારે નરણાંકોઠે નાળીયેરનું ટોપરુ ખાવાથી નાકમાંથી લોહી પડવાની સમસ્યા દૂર થઈ જાય
છે.
• નાળીયેરનુંં ટોપરુ, બદામ-અખરોટ સાથે ખાવાથી યાદશકિત વધે છે તથા શરીરની શકિત પણ વધે છે.
• નાળીયેરનું ટોપરુ સાકર સાથે નિયમિત ખાવાથી સ્ત્રીઓને પ્રસૂતિ સમયે દર્દ નહિવત થાય છે તથા સંતાન ગૌરવર્ણનું અને તંદુરસ્ત જન્મે છે.
• નાળીયેરનુંં ટોપરુ અને સાકર ખાવાથી આંખોના સામાન્ય રોગોમાં લાભ થાય છે.
જુના નાળીયેરના ટોપરાને પીસીને તેમાં થોડી હળદર મેળવીને તેને ગરમ કરીને હાથ પગમાં મોચ આવી હોય તો ત્યાં બાંધવાથી આરામ મળે છે. નાળીયેરનું ટોપરું કબજીયાત દૂર કરવામાં પણ સહાયક થાય છે. તે આંતરડામાં ચીકાશ પેદા કરે છે. જેથી કબજીયાત દૂર થાય છે. લીલા નાળીયેરને સામાન્ય રીતે ‘ત્રોફા’ તરીકે ઓળખવામાં આવે છે. તેનું પાણી અમૃત સમાન ઉપયોગી છે. તે પીવાથી તરસ છીપાવાની સાથે શરીરને શકિત પણ મળે છે. આર્યુવેદ અનુસાર નાળીયેરનું પાણી સ્વાદિષ્ટ, શીતલ, રેચક, લોહીનું શુધ્ધિકરણ કરનાર તેમજ તરસ અને પિતને શાંત કરનાર છે. દરરોજ એક લીલા નાળિયેરનું પાણી પીવાથી શરીરની રોજીંદી જરૂરીયાત મુજબ વીટામીન ‘સી’ મળી જાય છે. દેશમાં કુલ ઉત્પાદિત લગભગ ૮૫ ટકા નાળીયેરનું ટોપરું ખાવામાં કામ આવે છે. બાકીના ૩૫ ટકા ઉત્પાદિત નાળીયેરના ટોપરાનું તેલ કાઢવામાં આવે છે. એક હજાર સુકા નાળીયેરમાંથી અંદાજે ૧૦૦ લીટર તેલ નીકળે છે. નાળીયેરના તેલનો ઉપયોગ લગભગ કુલ ઉત્યાદિત તેલના ૨૦ ટકા ખાવામાં તથા ૮૦ ટકા તેલ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં વપરાય છે. નાળીયેરનું તેલ માથાના વાળ માટે ખુબ જ ઉપયોગી છે, તથા ગુણકારી છે. નાળીયેરનું તેલ માથાના વાળમાં નાખવાથી વાળ ચીકણા થતા નથી તેમજ ખોડાની સમસ્યા ઉત્પન થતી નથી. આ બધા ગુણોને જોતાં નાળીયેરને ‘ શ્રીફળ ‘ કહેવામાં આવે છે. તે યોગ્ય જ છે.