બ્રહ્માંડમાં સદાય વિહાર કરતા રહેતા પત્રકાર નારદજીએ મને ફોન કર્યોઃ ‘‘ નારન, એક સત્ય ઘટના છે તારે છાપવી હોય તો…’’
‘‘અરે નારદજી! બોલો બોલો… સ્વર્ગલોકના અને અખિલ બ્રહ્માંડના શા ખબર છે?’’
‘‘ આ સમાચાર સ્વર્ગલોકના પણ છે અને પૃથ્વીલોકના પણ છે. લખ ફટાફટ… તમારે ત્યાં સરસ સ્ટોરી થશે.’’
કાગળ અને પેન લઈને હું નોટ ડાઉન કરવા માંડ્યોઃ ૨૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ એક આત્મા પૃથ્વીલોકને ગુડ બાય કહીને આકાશમાં ઉડ્યો. આ આત્માને ધર્મરાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને ધર્મરાજ ઉવાચઃ ‘‘પૃથ્વીલોક ઉપર તમે ઘણા સારા કર્મો કર્યા છે અને કોઈ સાથે બનાવટ કરી નથી. આમ તો કયા આત્માને સ્વર્ગમાં એન્ટ્રી આપવી કે નર્કમાં પધરાવી દેવો તે અમે જ નક્કી કરીએ છીએ પરંતુ પૃથ્વી ઉપરના તમારા નિખાલસ અને નિર્મળ જીવનને ધ્યાનમાં રાખીને અમે તમને એ નક્કી કરવાની તક આપીએ છીએ કે તમારે ક્યાં જવું છે. વિકલ્પ એક નર્ક, વિકલ્પ બે સ્વર્ગ, વિકલ્પ ત્રણ ફરીથી પૃથ્વીલોક?’’
અને તે આત્માને કહ્યુંઃ ‘‘ઇન મેં સે સબ સે અચ્છી શરાબ કહા મિલેગી?’’
માહિતી આટલે સુધી આપતા નારદજીએ કહ્યુંઃ ‘‘ હું પણ આ ન્યૂઝ સ્વર્ગ સમાચારમાં છાપવાનો છું. પણ હું હજી તપાસ કરી રહ્યો છું કે આ આત્માનું નામ પૃથ્વીલોક ઉપર શું હતું.’’
અને હું બોલી ઉઠ્યોઃ અરે નારદજી ! જો ઘટના આ પ્રમાણે જ હોય તો હું લખાવું છું, તમે લખો. એ આત્માનું નામ છે ધર્મેન્દ્ર. ’’
‘‘વાહ શું વાત છે!‘‘ નારદજી મને કહેવા લાગ્યાઃ ‘‘આખું નામ લખાવો.’’
મેં કહ્યુંઃ‘‘આ આખું નામ જ છે – ધર્મેન્દ્ર. ’’
માહિતી આદાનપ્રદાનના વહેવારના નાતે હું નારદજીને એક પત્રકાર તરીકે ખુટતી માહિતી લખાવવા લાગ્યોઃ એનું આખું નામ તો ધર્મેન્દ્ર કેવલક્રિષ્ન દેઓલ છે. પણ આ શખ્સનું આટલું નામ કાફી છે. પૃથ્વી લોક ઉપર લોકોને માત્ર ધર્મેન્દ્ર બોલવાથી બધું જ સમજાઈ જાય છે કોઈ પૂછતું નથી કે ધર્મેન્દ્ર એટલે કયો ધર્મેન્દ્ર. હા ધર્મેન્દ્ર એટલે હિમેન ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર એટલે માચો મેન. ધર્મેન્દ્ર એટલે એક ગ્રેટ માણસ અને ગ્રેટ એક્ટર. જેને હિન્દી બોલતા કે સમજતા આવડતું હોય એવું બચ્ચેબચ્ચું ધર્મેન્દ્રને ઓળખે છે. અને જો ન ઓળખતો હોય તો એનું જનરલ નોલેજ કાચું છે એમ ગણાય.
અમે પણ બાળક હતા ત્યારથી જ ધર્મેન્દ્રને ઓળખીએ છીએ. દેવતાઓ વિશે બહુ જ અહોભાવ સાથે વાત થતી હોય એ જ રીતે અમે અમિતાભ અને ધર્મેન્દ્ર વિશે વાતો કરતા. ધર્મેન્દ્રને કોઈ પુગી જ ના શકે. ગમે એટલા વિલન ગુંડા હોય ધર્મેન્દ્ર એકલો કાફી છે. આઠ ડિસેમ્બર ૧૯૩૫ ના રોજ પંજાબના નરસાલી ગામમાં એનો જન્મ થયો ન હોત તો કદાચ અમને હિમેન શબ્દના અર્થની ખબર પણ ન હોત.
હા ધર્મેન્દ્ર હિમેન હતો પણ થોડા પુખ્ત વયના થયા પછી ખબર પડી કે ધર્મેન્દ્ર માત્ર હિમેન નહોતો. આ ગરમ ગરમ દરેક ખેલનો ખેલાડી હતો. ૧૯૬૦માં તેણે ‘‘દિલ ભી તેરા હમ ભી તેરે’’ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી મારી હતી. અને બસ પછી ઇતિહાસ સર્જાતો રહ્યો, સર્જાતો રહ્યો. ૧૯૬૬માં આવેલી ‘‘ફુલ ઓર પથ્થર” ફિલ્મથી લોકોએ તેનો લુક જોયો અને બસ લોકો તેની પાછળ દિવાના થતા રહ્યા. હિન્દી ફિલ્મ જગતમાં કેટલાક યુગસર્જક અદાકારો પાક્યા છે. એક રાજ કપૂરનો યુગ હતો એક રાજેશ ખન્નાનો યુગ હતો. એક અમિતાભ બચ્ચનનો યુગ હતો, હજી છે, રહેશે. પણ જોવા જેવી ખૂબી એ છે કે આ દરેક યુગમાં ધર્મેન્દ્ર હતો. દરેક યુગસર્જક એક્ટરોએ ચડતી પડતીના દિવસો જોયા છે પણ ધર્મેન્દ્ર એક વખત હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ્યો પછી તે હંમેશા હસતો ખીલતો ખીલાવતો રહ્યો છે. તે ‘‘અનુપમા’’નો ધીરગંભીર લેખક પણ હોય અને ‘‘શોલે’’નો નટખટ વીરુ પણ હોય. ધર્મેન્દ્રને કોઈની સાથે કોઈ પ્રકારની સ્પર્ધા ન હતી. તાજ વગરનો સરતાજ હતો.
હિમેન ધર્મેન્દ્રને જોયા પછી જ એમની પછીની પેઢીના એક્ટરોને બોડી બિલ્ડિંગનું મહત્વ સમજાયું હતું. ગોવિંદા હોય કે સલમાન ખાન કે બીજા અનેક એક્ટરો, ધર્મેન્દ્રને આદર્શ માનતા રહ્યા છે. ધર્મેન્દ્ર વિશે કહેવાય છે કે તેના ઘરમાં દારૂની એક બહુ જ મોટી લાઇબ્રેરી હતી. અને વિશ્વની લગભગ તમામ દારૂની બ્રાન્ડ એમાં હાજરાહજૂર રહેતી અને ધર્મેન્દ્ર તમામ પ્રકારના ઉત્તમ દારૂને ઉત્તમ ન્યાય આપતો રહેતો હતો. માત્ર પ્રકાશ કૌર કે હેમામાલીની જ નહીં, શરાબનો પણ તે મહાન પ્રેમી હતો. શરાબને પણ એણે એક ઈજ્જત આપી છે કારણ કે શરાબના સતત સેવન છતાં તેણે પોતાનું બોડી છેક ૮૯ વર્ષ સુધી અડીખમ રાખ્યું હતું. દારૂ ધર્મેન્દ્રની જેમ પીવામાં આવે તો તે આરોગ્ય માટે ફાયદાકારક પણ છે એવું એણે સાબિત કર્યું. દારૂ કઈ રીતે પીવો તે પણ ધર્મેન્દ્રએ જગતને શીખવ્યું છે. ના, એવા કોઈ વાઈન ડ્રિંકિંગ ક્લાસ તેણે નહોતા શરૂ કર્યા. પણ શરાબ સાથેની સતત મિત્રતા પછી પણ હિમેન રહેવું અને ૯૦ વર્ષ સુધી રિમાઇન રહેવું એ જ ઘણું શીખવી જાય છે.
અમિતાભ બચ્ચન હોય કે શત્રુÎન સિન્હા હોય તેણે અનેક અનેક મિત્રો સાથે દારૂ જેટલી જ ગ્રેટ મિત્રતા દાખવી છે
આભાર – નિહારીકા રવિયા અને નિભાવી છે. ધર્મેન્દ્ર માત્ર હિમેન નથી તે ‘‘ધી મેન’’ પણ છે
છેલ્લે ૧૯૯૭માં તેને ફિલ્મફેર લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. ૧૯૧૨ માં ભારત સરકારે તેને પદ્મભૂષણનો ખિતાબ આપ્યો હતો. ધર્મેન્દ્રને ક્યારેય નેશનલ એવોર્ડ કે બીજા મહત્વના એવોડ્ર્સ નથી મળ્યા. હા તેણે રજૂ કરેલી ફિલ્મ ઘાયલને ૧૯૯૧માં નેશનલ એવોર્ડ મળ્યો હતો પરંતુ ધર્મેન્દ્રને પોતાને તો ક્યારેય મળ્યો જ નહીં. પણ ધર્મેન્દ્રને માત્ર ભારતના જ નહીં પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વના લોકોએ જે પ્રેમ આપ્યો છે એની સામે નાના કે મોટા એવોડ્ર્સની કોઈ વિસાત નથી. હા બોબી અને સનીને મારી એક સલાહ છે. ધર્મેન્દ્ર એવોર્ડ શરૂ કરો… ધર્મેન્દ્રએ પોતાના બંને પરિવારોને પોતાની સંપત્તિ આપી છે. હેમામાલીની કે ઈશા પણ આ એવોર્ડ શરૂ કરી શકે છે. naranbaraiya277@gmail.com









































