ગુજરાત સરકારે માહિતી અધિકાર અધિનિયમ (RTI) – ૨૦૦૫ ના અમલમાં ક્રાંતિકારી સુધારા કર્યા છે, જેનો ઉદ્દેશ્ય જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા કરાયેલી ભલામણોને ધ્યાનમાં રાખીને, સરકારે ૧૩ મે, ૨૦૨૫ ના રોજ પરિપત્ર બહાર પાડીને નવી સૂચનાઓ જારી કરી છે. આ મુખ્ય સૂચનાઓમાં પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે પૂરી પાડવાનો, ઈ-મેઇલ/ઓનલાઈન અરજીઓ પર ફોટો પાડીને માહિતી મોકલવાનો અને રેકોર્ડના સ્વ-નિરીક્ષણ દરમિયાન પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી લઈ જવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાહેર સત્તામંડળોને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર PAD હેઠળ વધુ માહિતી સ્વયં પ્રકાશિત કરવા અને અરજીઓની પ્રગતિ અંગે નાગરિકોને મેસેજ/ઈ-મેઇલ દ્વારા જાણ કરવા પણ સૂચના અપાઈ છે. ગુજરાત માહિતી આયોગે આ પગલાં બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.