ગુજરાત હાઈકોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે એઆઇ અંગે હવે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ હવે રાજ્યની કોઈપણ અદાલતમાં ન્યાયિક ચુકાદા, તર્ક અથવા જજમેન્ટ લખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) નો ઉપયોગ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી નીતિને તાત્કાલિક અમલમાં લાવતા ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ચુકાદા તૈયાર કરવા, ઓર્ડર લખવા, જામીન સંબંધિત વિચારણા કરવા તેમજ સજા નક્કી કરવાની પ્રક્રિયામાં ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના મતે ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણ માનવીય સમજ અને જવાબદારી પર આધારિત હોવી જાઈએ.
નવી માર્ગદર્શિકા મુજબ એઆઇનો ઉપયોગ માત્ર ચુકાદા લખવામાં જ નહીં પરંતુ પુરાવા અને દલીલોના વિશ્લેષણમાં પણ કરી શકાશે નહીં. પુરાવાનું વર્ગીકરણ, તેની વિશ્વસનીયતાની ચકાસણી, જુબાનીનો સારાંશ બનાવવો અથવા તથ્યોનું અર્થઘટન કરવા માટે એઆઇનો ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એઆઇ પર વધુ નિર્ભરતા રાખવાથી ‘હેલ્યુસિનેશન’ જેવા જાખમો ઊભા થઈ શકે છે. જેમાં એઆઇ ખોટી અથવા કાલ્પનિક કાનૂની માહિતી રજૂ કરી શકે છે. આથી ન્યાયિક પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાઈકોર્ટની પોલિસી મુજબ કોઈપણ જાહેર એઆઇ ટૂલમાં પક્ષકારો, સાક્ષીઓ અથવા કેસ સંબંધિત સંવેદનશીલ માહિતી દાખલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સાથે જ એઆઇનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના પુરાવા બનાવવું કે પછી તેમાં ફેરફાર કરવો અથવા ખોટા પુરાવા ઊભા કરવાનું પણ સખત મનાઈ છે. દરેક ન્યાયાધીશ તેમના નામે જારી થતા દરેક આદેશ માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે અને એઆઇનો ઉપયોગ બેદરકારી માટે બહાનું બની શકશે નહીં. કોર્ટના ક્રેડેન્શીયલ્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત ઉપકરણોમાં એઆઇ ટૂલ્સનો ગેરવપરાશ કરવો પણ નિયમોના ભંગ તરીકે ગણાશે.
જ્યારે ન્યાયિક પ્રક્રિયામાં છૈં પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે વહીવટી કાર્યો, કેસ મેનેજમેન્ટ, સંશોધન અને મુસદ્દા તૈયાર કરવા માટે એઆઇનો મર્યાદિત ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. જાકે આવા તમામ એઆઇ-જનરેટેડ આઉટપુટને માનવીય દેખરેખ હેઠળ ચકાસવું ફરજિયાત રહેશે. કાનૂની સંશોધન માટે એઆઇનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમાં આપેલા કાનૂની સંદર્ભો અને જાગવાઈઓને અધિકૃત પ્રાથમિક સ્ત્રોતો સાથે સરખાવીને ચકાસવું જરૂરી રહેશે. આથી ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવી શકાય.
હાઈકોર્ટે પોતાની નીતિમાં ડિજિટલ પૂર્વગ્રહ સામે ઝીરો ટોલરન્સની વાત પણ સ્પષ્ટ કરી છે. સિસ્ટમ્સ લિંગ, ધર્મ, જાતિ અથવા સામાજિક પરિસ્થિતિના આધારે ભેદભાવ ઉભો કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા નિયમિત તાલીમ કાર્યક્રમો યોજવામાં આવશે જેથી ન્યાયિક અધિકારીઓ એઆઇની ક્ષમતાઓ અને મર્યાદાઓને સારી રીતે સમજી શકે.








































