ગુજરાતની સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે મ્યાનમારના કેકે પાર્ક તથા કંબોડિયામાં ચીની સાયબર માફિયા દ્વારા સંચાલિત સ્કેમ સેન્ટરોમાં સાયબર સ્લેવરી માટે લોકોની તસ્કરી કરનાર આંતરરાષ્ટ્રીયય રેકેટના માસ્ટરમાઇન્ડ નિલેશ ઉર્ફે નીલ નરપતસિંહ પુરોહિતને ધરપકડ કરી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારના આંતરરાષ્ટ્રીયય પ્રયાસોથી થાઇલેન્ડ, મ્યાનમાર, મલેશિયા તથા અન્ય દેશોમાંથી લગભગ ૪૦૦૦ ભારતીયોને સાયબર સ્લેવરીમાંથી મુક્ત કરાવી ખાસ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવ્યા છે. આ તમામ ભોગ બનનારાઓના નિવેદનોમાં એક જ નામ વારંવાર સામે આવ્યું હતું નીલ પુરોહિત. આ નિવેદનોના આધારે ટેકનિકલ એનાલિસિસ કરીને સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમ આરોપી સુધી પહોંચી અને તેને ઝડપી પાડ્યો છે.
નિલેશ પુરોહિતે ૧૨૬ થી વધુ સબ-એજન્ટોનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં ૩૦ થી વધુ પાકિસ્તાની એજન્ટો તથા ૧૦૦ થી વધુ ચીની અને વિદેશી કંપનીઓના ૐઇ સાથે સીધો સંપર્ક હતો. આ નેટવર્ક દ્વારા ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરિયા, ઇજિપ્ત, કેમેરૂન, બેનિન તથા ટ્યુનિશિયા સહિતના દેશોના ૫૦૦ થી વધુ નાગરિકોને ઊંચા પગારની ડેટા એન્ટ્રી જાબની લાલચ આપીને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ તથા થાઇલેન્ડમાં સાયબર સ્કેમ સેન્ટરોમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વધુ ૧૦૦૦ થી વધુ લોકોને મોકલવાની ડીલ ફાઇનલ કરી ચૂક્યો હતો અને ધરપકડના એક દિવસ પહેલાં જ એક પંજાબના યુવાનને કંબોડિયા મોકલ્યો હતો.
આરોપી વ્યક્તિદીઠ ૨૦૦૦ થી ૪૫૦૦ ડોલર કમિશન લેતો હતો અને સબ-એજન્ટોને ૩૦-૪૦% આપતો હતો. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર લોભામણી જાબની જાહેરાતો કરીને લોકોને ફસાવતો, ટિકિટ-હોટેલની વ્યવસ્થા કરી આપતો અને પછી થાઇલેન્ડથી ગેરકાયદેસર રીતે મ્યાનમારની સરહદ પાર કરાવી કેકે પાર્ક કે અન્ય ચીની કંપાઉન્ડમાં પહોંચાડતો હતો. ત્યાં પહોંચ્યા બાદ પાસપોર્ટ છીનવી લેવાતા, મોબાઇલ કબજે કરી લેવામાં આવતા અને ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ તથા ડેટિંગ એપ દ્વારા ઠગાઈ જેવા ગુનાઓ કરાવવા મજબુર કરવામાં આવતા હતા. સહકાર ન આપે તો શારીરિક-માનસિક ટોર્ચર આપવામાં આવતું હતું.
આ રેકેટના નાણાંકીય વ્યવહારો મ્યુલ એકાઉન્ટ્સ તથા અનેક ક્રિપ્ટો વાલેટ્સ દ્વારા કરવામાં આવતા હતા. આરોપી પોતાને “ઘોસ્ટ” તરીકે ઓળખાવતો હતો, વર્ચ્યુઅલ નંબરો વાપરતો હતો અને દુબઈ, લાઓસ, થાઇલેન્ડ, મ્યાનમાર તથા ઇરાનની વારંવાર મુસાસ કરતો હતો. ધરપકડ સમયે તે મલેશિયા ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો.
આ કેસમાં આરોપીના બે મુખ્ય સાથીદાર હિતેશ સોમૈયા તથા સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ૨ મોબાઇલ, ૧ લેપટોપ તથા ૧ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે અને કોર્ટે ૧૪ દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે. આ કાર્યવાહી ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની સૌથી મોટી સફળતાઓમાંની એક ગણાય છે, જેનાથી દક્ષિણ-પૂર્વ એશિયામાં ચાલતા ચીની સાયબર માફિયાના મોટા નેટવર્કને ભારે આંચકો લાગ્યો છે.







































