કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે આગામી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બેન્ક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા બેન્ક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બેંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે. ૫ દિવસની બેન્કિંગ કામકાજની માગ ઉપરાંત બેંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર લેબર કોડ (શ્રમ કાયદા)ના વિરોધમાં આંદોલનનો સૂર છેડ્‌યો છે. યુનિયનોનો આરોપ છે કે, આ લેબર કોડ હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના લાવવામાં આવ્યા છે. તેનાથી કર્મચારીઓનો હડતાળનો અને સામૂહિક એકતાનો અધિકાર છીનવાઈ જશે. નવા નિયમોથી કામદારોને મળતી સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી જોખમમાં મુકાશે. યુનિયન શરૂ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરુ પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે. કારણ કે ટ્રેડ યુનિયન બનાવવાની પ્રક્રિયા જટિલ બનાવી દેવામાં આવી છે.