ગુજરાત અને રાજસ્થાન પોલીસની વર્ષોથી ઊંઘ હરામ કરનારા કુખ્યાત ગેંગસ્ટર અને લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે પાંડ્યા જાટની આખરે દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. નકલી દસ્તાવેજાના આધારે વિદેશ નાસી ગયેલા આ હિસ્ટ્રીશીટરને પ્રત્યાર્પણ વિધિ દ્વારા ભારત લાવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. તેને વડોદરાના કરજણ દારૂ કાંડ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં તપાસ હેઠળ લેવામાં આવશે.
આ કેસમાં સૌથી વિવાદાસ્પદ વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સાજણ આહીર સાથે અનિલ પાંડ્યાની ઓડિયો Âક્લપ વાયરલ થઈ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પાંડ્યાએ આંગડિયા મારફતે સાજણ આહીરને ૧૫ લાખ રૂપિયા મોકલ્યા હતા. વડોદરા ગ્રામ્ય પોલીસે જ્યારે કરજણ હાઈવે પરથી ૧.૭૭ કરોડનો દારૂ પકડ્યો, ત્યારે આ સમગ્ર પોલ ઉઘાડી પડી હતી.
અનિલ પાંડ્યા પોલીસથી બચવા માટે અત્યંત શાતિર મોડસ ઓપરેન્ડી અપનાવતો હતો. તે હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો, જેના કારણે તેનું લોકેશન ટ્રેસ કરવું અશક્ય બની જતું હતું. નવાઈની વાત તો એ છે કે, તે જ્યાં છુપાતો ત્યાંથી ૫૦ કિમીના અંતર સુધી તેના માણસો વોચ રાખતા હતા, જેથી પોલીસની રેડ પડે તે પહેલાં જ તેને જાણ થઈ જતી અને તે ભાગી છૂટતો હતો.
મૂળ રાજસ્થાનના સીકરનો વતની અનિલ પાંડ્યા વર્ષ ૨૦૦૭થી ગુનાખોરીમાં સક્રિય છે. તેના પર રાજસ્થાનમાં હત્યાના પ્રયાસ, લૂંટ અને ખંડણી જેવા ૩૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ગુજરાતમાં તે દારૂની હેરાફેરીના ૨૫ જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. એક સમયે ચાની લારી પર કામ કરનારો અનિલ આજે અબજા રૂપિયાનું દારૂનું નેટવર્ક ચલાવતો હતો.
વડોદરા જિલ્લા પોલીસ હવે પાંડ્યાનો કબજા મેળવી તેની પૂછપરછ કરશે. આ તપાસમાં પોલીસ વિભાગના અન્ય કયા ઉચ્ચ અધિકારીઓ કે કર્મચારીઓ તેની સાથે સંકળાયેલા હતા, તેવા અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાવાની શક્્યતા છે.