થોડા દિવસો પહેલા રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી ન‹સગમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે હવે વિદ્યાર્થીઓની યુવા પાંખ એનએસયુઆઈ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં આ કૌભાંડમાં વહીવટી તંત્ર દ્વારા ભીનુ સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યોં છે. જેથી તાત્કાલીક ગુનેગારોને પકડવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કૌભાંડમાં એજન્ટને પુરવણી એસેસમેન્ટ સેન્ટરમાંથી આપવામા આવતી. જે રાત્રે વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધી કોઈ ચોક્સ સ્થળે લઈ જઈ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સીટીમાં બીએસસી ન‹સગની પરીક્ષાના ઉત્તરવહી કૌભાંડ સામે આવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ તો કરી દેવાઈ છે. પરંતુ ફરિયાદના ૭૨ કલાક બાદ પણ તપાસ ઠેરની ઠેર છે. તેમ ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ સેનેટ સભ્ય જણાવી રહ્યાં છે.
યુનિવર્સીટના પૂર્વ સેનેટ સભ્ય હસમુખ ચૌધરી અને એનએસયુઆઈના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અંગે ખુલાસો કરતા કહ્યું છે કે, સમગ્ર કૌભાંડમાં વિદ્યાર્થીઓને કોરુ પેપર મુકીને આવે અને પુરવણીના પ્રથમ અને છેલ્લા પાને કોઈ ચોક્કસ નિશાની કરવામાં આવતી હતી. યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી આ પુરવણીઓ રાત્રે અલગ કરી પોતાના એજન્ટને આપવામાં આવતી હતી. રાત્રે વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સ્થળ પર બોલાવી આંખ પર પટ્ટી બાંધીને કોઈ ચોક્કસ સ્થળ પર લઈ જવામાં આવતા હતા.
ચોક્કસ જગ્યાએ લઈ ગયા બાદ વિદ્યાર્થીની હાજરીમાં તેમની પુરવણી પર લગાવેલું ખાખી સ્ટીકર ફાડીને તેમનો સીટ નંબર બતાવી તેને ૪ કલાકનો સમય આપી જેટલુ લખવું હોય તે લખવા દેવામાં આવતું હતું. ત્યાર બાદ વહેલી સવારે ઉપરોક્ત બધી પુરવણીની નંબરીગં થાય તે પહેલા એસેસમેન્ટ સેન્ટરમાં જમા કરાવી દેવામાં આવતી હતી. સમગ્ર કૌભાંડ આચરવામાં વિદ્યાર્થીઓ પાસે એકથી દોઢ લાખ પેપર દીઠ લેવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.