અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ધર્મના નામે દંગલ થઇ ગયુ છે. કેટલાક વિદેશી મુસ્લીમ વિદ્યાર્થીઓ નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોને તેનો વિરોધ કર્યો હતો. જે પછી યુનિવર્સિટીમાં હોબાળો અને મારામારી થઇ હતી. આ મામલે ૫ લોકોની ધરપકડ કરી છે અને ૨૫ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. વિદેશ મંત્રાલય સુધી આ ઘટનાનો પડઘો પડ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓની નમાઝને લઈને મોટો હોબાળો થયો હતો. કેટલાક લોકોએ તેમને રોક્યા હતા. જે પછી વિદેશી વિદ્યાર્થીએ લાફો મારી દેતા મામલો એવો તો બિચક્યો કે મારામારી થઈ હતી. યુનિવર્સિટીમાં તોડફોડ થઈ, વાહનોને નુકસાન પણ કરવામાં આવ્યુ હતુ. કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જા કે આ મામલે હવે ૫ આરોપીને પકડી લેવાયા છે અને ૨૫થી વધુ લોકોના સામે ફરિયાદ પણ થઈ છે.
ગૃહરાજ્યપ્રધાને પણ તપાસ અહેવાલ માગ્યો છે અને વિદેશ મંત્રાલયે પણ ઘટનામાં કડક કાર્યવાહીની ખાતરી રાજ્ય સરકારે આપી હોવાની વાત કરી છે. જા કે, આ કિસ્સામાં રાજનીતિ પણ તેજ થઈ છે. પહેલા તો સ્થાનિક ધારાસભ્ય અને મુસ્લીમ આગેવાનોએ પોલીસે સામે સવાલો ખડા કર્યા, તો આ મામલે એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસીએ પણ તીખા શબ્દો વાપરતી પોસ્ટ કરી છે.
આ કેસમાં હવે વિદેશના વિદ્યાર્થીઓને નવી તૈયાર કરેલો હોસ્ટેલમાં ખસેડવાની પણ તજવીજ શરૂ કરાઈ છે, તો વિદેશના વિદ્યાર્થીઓની હોસ્ટેલ જેમના કાર્યક્ષેત્રમાં આવે છે, તે સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્પોરાના કોઓર્ડિનેટરને પદ પરથી દૂર કરી દેવાયા છે. તો વિદેશના વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવી છે.