ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ની નવી ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. આ નવી ટીમની રચનાને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો જાવા મળી રહ્યો છે. એવી પ્રબળ શક્યતા છે કે પ્રદેશ પ્રમુખના ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસ બાદ આ મહત્વપૂર્ણ યાદી જાહેર થઈ શકે છે. સંગઠનના માળખામાં ફેરફાર અને નવા ચહેરાઓને સ્થાન આપવા પાછળનું મુખ્ય કારણ આગામી ચૂંટણીઓ અને પક્ષને જમીની સ્તરે વધુ મજબૂત બનાવવાનું છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમ માં નેતાઓને જવાબદારીઓ આપતી વખતે વિસ્તારગત અને જ્ઞાતિગત સમીકરણો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પક્ષે રાજ્યના તમામ વર્ગો અને વિસ્તારોને પ્રતિનિધિત્વ મળે તેની ખાતરી કરી છે, જેથી સંગઠન વધુ સર્વસમાવેશક બની શકે.
મળતી માહિતી મુજબ, રાજ્યના ચાર ઝોનમાંથી કુલ ચાર મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવશે. આ નિમણૂક પાછળ ચોક્કસ જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો વ્યૂહ છે. સૌરાષ્ટÙ ઝોનઃ આ મહત્વના વિસ્તારમાંથી પાટીદાર સમાજના નેતાને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પાટીદાર સમાજની રાજકીય અગત્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાઈ શકે છે. મધ્ય ગુજરાતઃ મધ્ય ગુજરાતના પ્રદેશમાંથી ક્ષત્રિય સમાજના નેતાને મહામંત્રી પદ મળી શકે છે. દક્ષિણ ઝોનઃ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી આદિવાસી સમાજના નેતાને મહામંત્રી બનાવી શકાય છે. આદિવાસી મતોને જાળવી રાખવા માટે આ નિમણૂક નિર્ણાયક સાબિત થશે. વળી, આ ચાર મહામંત્રીઓ ઉપરાંત અન્ય મહામંત્રીઓ તેમજ ઉપાધ્યક્ષોની ટીમની પણ જાહેરાત કરવામાં આવશે, જે સંગઠનની કામગીરીને વેગ આપશે.
પ્રદેશ ભાજપની આ નવી ટીમ ગુજરાતમાં પક્ષના સંગઠનને એક નવો ઓપ આપશે. અનુભવી અને યુવા નેતાઓના સમન્વયથી બનનારી આ ટીમ આગામી પડકારોનો સામનો કરવા અને પક્ષના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કમર કસશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આ નવી ટીમ રાજ્યમાં પક્ષની પકડ વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.









































