છેલ્લા થોડા દિવસોથી રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ જાહેરમાં દેખાઇ રહ્યો છે. ત્યારે આજે એક કાર્યક્રમની પત્રિકામાં પૂર્વ સીએમનું નામ ન લખાતા એક વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો ૨૦મીનો કાર્યક્રમ રદ કરાયો છે. જેની પાછળ પક્ષે સમયના અભાવે કાર્યક્રમ રદ કરાયાનું જણાવ્યુ છે. ૧૫ તારીખના રોજ ભાજપના બે દિગ્ગજ આગેવાનો વચ્ચે બોલાચાલીના આ પડઘા પડ્યા હોય
તેવું લાગી રહ્યું છે. જાકે, સી.આર. પાટીલના બ્રહ્મસમાજ અને ઉદ્યોગકારો સાથેના કાર્યક્રમ હજુ યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે.
૨૦મીએ રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં મોકરિયા જૂથે રાખેલો જનસંઘથી ભાજપ નામનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરાયું હતું. જેમાં શહેર ભાજપના રૂપાણી સમર્થકોને સાઇડલાઇન કરાતા આ મુદ્દે બે દિવસ પહેલાના સ્નેહમિલનમાં વિખવાદ થયો હોવાની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે, સ્ટેજ પરનો વીડિયો વાયરલ થતા પ્રદેશ ભાજપ હરકતમાં આવ્યું છે. જે બાદ પ્રદેશ ભાજપની સૂચનાથી ૨૦મીનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.
બે દિવસ પહેલા રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચેનો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યુ હતુ કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી.
યોજાયેલ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં સત્તામાં બેઠેલા સિનિયરના નામો ભૂલાતાં વિવાદ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલનું નામ નહોતું. ભાજપના બીજા જૂથનું સ્નેહમિલન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ૨૦ નવેમ્બરે યોજાશે. રાજકોટમાં જ બે સ્નેહમિલન યોજાવાનાં છે તેના કારણે વિવાદ છે જ ત્યાં હવે આ નવો વિવાદ ઉભો થયો છે.