ગુજરાતમાં વ્યાજખોરોના આતંકને ડામવા માટે રાજ્ય પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. “બે દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશ” જેવી ધમકીઓ આપીને સામાન્ય જનતાનું લોહી પીતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી છે. એક મહિનાની આ ઝુંબેશમાં રાજ્યભરમાંથી ૧૩૬ જેટલા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
આ કાર્યવાહીમાં સુરતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સામાન્ય પરિવારના આયુષ નામના યુવાને આર્થિક તંગીને કારણે જૂન-૨૦૨૫માં પ્રીત ઉર્ફે ભીમ સોસા પાસેથી ૧૦% વ્યાજે રૂ. ૨૦,૦૦૦ લીધા હતા. વ્યાજખોરે રૂ. ૨,૦૦૦ એડવાન્સમાં કાપી લીધા અને આયુષ પાસેથી કોરો ચેક પણ પડાવી લીધો હતો.
સમય જતાં વ્યાજનું વિષચક્ર એટલું વધ્યું કે આરોપી પ્રીત અને અંકિત ઠાકોરે આયુષને રસ્તામાં રોકી ચપ્પાની અણીએ ધમકી આપી હતી કે, જા પૈસા નહીં આપે તો પતાવી દઈશું. આયુષ જ્યારે આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યો હતો, ત્યારે સુરતની ચોકબજાર પોલીસે હિંમત આપીને તાત્કાલિક ધોરણે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને વ્યાજખોરોને પાસા હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલી દેવાયા છે.
રાજ્યના પોલીસ વડા ડા. કે.એલ.એન. રાવની સૂચનાથી ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજ્યના તમામ મુખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને કવર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન કુલ ૧૧૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ગેરકાયદે વ્યાજ વસૂલતા ૧૩૬ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ માત્ર ધરપકડ કરીને અટકી નથી રહી. વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બચાવવા માટે રાજ્યભરમાં ‘લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક દરબારો દ્વારા સામાન્ય લોકોને સરકારી લોન યોજનાઓ અને બેંકિંગ સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ વ્યાજખોરોના ખપ્પરમાં હોમાતા બચે.
પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જા કોઈ વ્યાજખોર તમને ધમકાવે કે હેરાન કરે, તો ડરવાની જરૂર નથી, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. તમારી સુરક્ષા એ ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે.