રાજ્યમાં ૨ દિવસ બાદ વરસાદનો નવો રાઉન્ડ આવશે. ૧૩ જુલાઈથી -કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બે સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આગામી ૫ દિવસ દરિયાકાંઠે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે અત્યાર સુધીમાં ૪૭ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જયારે મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૬૨.૮૩ ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૩.૩૭ ટકા જળ સંગ્રહ, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૬.૦૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૫.૬૭ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૬. ૭૯ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૬. ૭૬ ટકા પાણીનો જથ્થો છે.









































