ગુજરાત,પંજાબ સહિતના પાકિસ્તાનની સરહદે આવેલા રાજયોમાં મોક ડ્રીલ કરવામાં આવશે. આ મોક ડ્રીલ દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે. સરકારે ૪ રાજ્યો જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. આ ૪ રાજ્યો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૩,૩૦૦ કિલોમીટરથી વધુની સરહદ છે. જમ્મુ અને કાશ્મીર સાથેની સરહદને નિયંત્રણ રેખા એટલે કે એલઓસી કહેવામાં આવે છે. જ્યારે, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સાથેની સરહદને આંતરરાષ્ટ્રીય સરહદ કહેવામાં આવે છે.
અગાઉ પણ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ૭ મેના રોજ દેશના ૨૪૪ જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ૬-૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી કરી. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના ૯ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ પાકિસ્તાનના ૧૨ વધુ આતંકવાદી ઠેકાણાઓની યાદી તૈયાર છે પીઓકેથી પાકિસ્તાન સુધી આતંકવાદના મૂળને નાબૂદ કરવા માટે એક ઓપરેશન ચાલી રહ્યું છે.
ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. આખો દેશ આતંકથી ભરેલો છે. તે દરમિયાન પાકિસ્તાન ઓપરેશન સિંદૂર જેવા બીજા ઓપરેશનથી ડરી રહ્યું છે. ભારતે અત્યાર સુધી ફક્ત ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ૧૨ વધુ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી શકે છે. અગાઉ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદના બાકીના ઠેકાણાઓને પણ ખતમ કરવામાં આવશે. ભારત આ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતના સરહદી વિસ્તારોમાં એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ પર છે. પાકિસ્તાનની ગોળીબારને જોઈને સેનાએ કાશ્મીરના ૧૦ જિલ્લાઓમાં નિયંત્રણ કેન્દ્રો સ્થાપ્યા છે.
તમને જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં જે નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, તેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક નિશાન બનાવવામાં આવ્યું હતું.
૨૨ એપ્રિલના રોજ પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે ૬-૭ મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. લગભગ ૨૪ મિનિટ સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીકેઓમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓને ઉડાવી દીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ઓપરેશનમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
ભારતના આ ઓપરેશનથી લાલચોળ થઈને પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલો કર્યો. પાકિસ્તાની સેનાએ ડ્રોનથી ભારતીય લશ્કરી અને નાગરિક ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ૭ થી ૧૦ મે સુધી ૪ દિવસ સુધી ચાલેલા લશ્કરી મુકાબલા બાદ પાકિસ્તાનની વિનંતી પર ૧૦ મેના રોજ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી.