કાયદાકીય સરળતા અને પારદર્શિતા તરફનું રાજ્ય સરકારનું વધુ એક કદમ
૬ વિભાગોના ૧૧ કાયદાઓ અધિનિયમોની ૫૧૬ જેટલી જોગવાઈઓમાં સૂચવાયેલા સુધારાઓ કરાશે
૧૫મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનગૃહમાં રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સરળતા અને પારદર્શિતા તરફના વધુ એક નક્કર કદમરૂપે પસાર થયેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ રાજ્યમાં કાયદા પાલનને સરળ બનાવીને – ડિજિટાઇઝ્ડ કરીને તેમજ સુયોગ્ય રીતે બદલાવ લાવીને વ્યાપાર સરળતા સાથે જીવન જીવવાની સરળતામાં પણ વધારો કરનારું વિધેયક બનશે. એટલું જ નહિ, ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં પણ ઉપયુક્ત બનશે. મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્ય સ્તરના જન-વિશ્વાસ કાયદાઓ પસાર કરનારા અન્ય રાજ્યો કરતા ગુજરાતે સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું વિધાનગૃહ સમક્ષ ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ના ફાયદાઓ અંગે જણાવતાં કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ રાજ્યમાં વિકાસ અને રોકાણને વધુ મજબૂત કરવા સાથે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને પણ વેગ આપશે. આ વિધેયક પર સભાપક્ષ અને પ્રતિપક્ષના સભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ત્યારબાદ આ ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ બહુમતીએ પસાર કરવામાં આવ્યું હતું.
વિધેયકનો શું છે મુખ્ય હેતુ
આ વિધેયકનો મુખ્ય હેતુ ફાઈલિંગ વિલંબ, લાઇસન્સ રિન્યુઅલમાં વિલંબ, સલામતી ઉલ્લંઘન અંગેની નાની ભૂલો માટે અણધાર્યા અને ફોજદારી આરોપોથી મુક્તિ આપવાનો, ન્યાયિક પ્રણાલી પરનું ભારણ ઘટાડીને પેનલ્ટી પર આધારિત દંડ વ્યવસ્થા લાવવાનો છે.
૫૧૬ જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવી
મંત્રી બળવંતસિંહ રાજપુતે જે ૫૧૬ જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવી છે તેની વિગતો આપતા કહ્યું કે, એક જોગવાઈમાં કેદની કલમ છે તેને દૂર કરવામાં આવી રહી છે. ૧૭ જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી રહી છે અને ૪૯૮ જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે.










































