ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભેચ્છાઓ! ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. કવિ નર્મદની જેમ ‘ડગલું ભર્યું કે ના હટવું’ ના મંત્રને ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસના માર્ગે મક્કમતાથી પ્રગતિ કરી છે. આજે વિશ્વભરના નિષ્ણાતો પણ ગુજરાતના વિકાસથી પ્રભાવિત છે. આ વર્ષનો ગૌરવ દિવસ આપણા માટે વિશેષ છે, કારણ કે આપણે ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવીને આપણે આપણા સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરીશું. ૨૦૦૧થી ગુજરાતને મળેલી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશી નેતૃત્વને કારણે ગુજરાતનો વિકાસ અનેકગણો વધ્યો છે. આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. સુશાસન અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખીને આપણે વિકાસની યાત્રાને અવિરત રાખીશું.આજે, જ્યોતિગ્રામ યોજનાથી અંતરિયાળ ગામો સુધી ૨૪ કલાક વીજળી પહોંચી છે, ગુજરાત ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડ ધરાવતું એકમાત્ર રાજ્ય છે. આપણે ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓના વિકાસ માટે જ્ઞાનશક્તિ આધારિત અભિગમ અપનાવ્યો છે અને દરેક કલ્યાણકારી યોજનાનો લાભ ૧૦૦ ટકા લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આપણે શહેરી વિકાસને નવી ગતિ આપવા માટે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. વેપાર અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટ એક સફળ પહેલ રહી છે. ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથમાં પણ અગ્રેસર છે. વિકસિત ગુજરાત જ્ર૨૦૪૭ના વિઝન ડોક્યુમેન્ટ સાથે આપણે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. હાઈટેક ઉદ્યોગો અને સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રોમાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. આપણે અર્નિંગ વેલ અને લિવિંગ વેલની વિભાવના સાથે પર્યાવરણને અનુકૂળ વિકાસ સાધવા માટે પ્રતિબદ્ધ છીએ.