ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના નામ પર ફાઇનલી મહોર લાગી ગઈ છે. જગદીશ ઠાકોરને કોંગ્રેસ હાઇકમાને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જગદીશ ઠાકોર પ્રમુખ બનતા તેમને ચારેબાજુથી શુભેચ્છાનો વરસાદ થયો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્‌વીટરના માધ્યમથી તેમને શુભેચ્છા પાઠવી છે. અમિત ચાવડાએ લખ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નિયુક્ત થવા પર જગદીશ ઠાકોરને હાર્દિક શુભેચ્છા. તમારા અનુભવી અને જુઝારુ નેતૃત્વમાં ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને કોંગ્રેસ પક્ષનો વિજય પરચમ લહેરાવીશું.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં લડશે. વિધાનસભામાં પાવી જેતપુરના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસનો અવાજ બનશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ સામે આવતા જ બનાસકાંઠાના ચાગા ગામમાં એટલે કે જગદીશ ઠાકોરના ગામમાં ઢોલ નગારા સાથે ઉત્સવનો માહોલ જાવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ અબીલ ગુલાલ ઉડાવી અને ફટાકડા ફોડીને ખૂશી વ્યક્ત કરવામાં આવી હતી. જગદીશ ઠાકોરના પરિવારના સભ્યોએ મીઠાઈથી ગામના લોકોના મો પણ મીઠા કરાવ્યા હતા.
જગદીશ ઠાકોરે રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૭૩ એનએસયુઆઇથી કરી હતી. ૧૯૭૫માં તેઓ અમદાવાદ જિલ્લા યૂથ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી બન્યા હતા. ૨૦૦૨માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને દેહગામના ધારાસભ્ય બન્યા. ૨૦૦૭માં પણ દહેગામમાંથી તેઓ બીજી વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૨૦૦૯માં તેઓ પાટણના સાંસદ બન્યા હતા.