ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી (આપ) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના બે અલગ-અલગ વિસ્તારોમાં પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વડોદરામાં સંગઠનમાં ભંગાણ પડ્યું છે, તો બીજી તરફ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં પણ પક્ષના પાયાના નેતાએ છેડો ફાડી નાખ્યો છે. આ પક્ષપલટા અને રાજીનામાને કારણે આગામી ચૂંટણીમાં ‘આપ’ના પ્રદર્શન પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
વડોદરામાં ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને જાણીતા નેતા વિઠ્ઠલ આયર સહિત ૪૦ જેટલા સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. આ કાર્યકરો છેલ્લા ઘણા સમયથી પક્ષની આંતરિક કાર્યશૈલી અને અસંતોષને લઈને નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા જેવા મહત્વના શહેરમાં આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું ભાજપમાં જવું એ ‘આપ’ માટે મનોવૈજ્ઞાનિક હાર સમાન માનવામાં આવે છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના જ ગઢ દેડિયાપાડામાં મોટો ફટકો પડ્યો છે. દેડિયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. રાજેન્દ્ર વસાવાએ પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨થી તેમણે પક્ષને મજબૂત કરવા માટે લોહી-પરસેવો એક કર્યો છે, પરંતુ ચૂંટણી સમયે તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હોય કે સેન્સ લેવાની વાત હોય, કોઈ પણ મહત્વના નિર્ણયમાં તેમનું મંતવ્ય લેવામાં આવ્યું નથી. સતત થઈ રહેલી બાદબાકી અને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે તેમણે પક્ષને રામ-રામ કરી દીધા છે.









































