ભારતીયોનું વિદેશમાં જતા રહેવાનું ગાંડપણ કેમ ઘટતું નથી ?
દુબઈથી નિકારાગુઆ જતી ૩૦૩ ભારતીયો સાથેની ફ્‌લાઈટને ફ્રાન્સમાં રોકીને પાછી ભારત મોકલી દેવાઈ તેના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં છે. આ ૩૦૩ ભારતીયોમાં ૯૬ ગુજરાતીઓ હતા. બીજા ભારતીયોની સાથે આ ગુજરાતીઓ પણ પાછા.
અમેરિકા હવે વિદેશીઓને પોતાને ત્યાં આવકારવા મુદ્દે કડક બન્યું છે, પહેલાં અમેરિકા જવાના વિઝા પ્રમાણમાં સરળતાથી મળતા હતા. તેના બદલે હવે અમેરિકાના વિઝા મેળવવા માટે આભ-જમીન એક કરવાં પડે છે. અમેકિકાના ટુરિસ્ટ વિઝાની એપોઈન્ટમેન્ટ માટે પણ બબ્બે વર્ષનું વેઈટિંગ છે ત્યારે અમેરિકામાં સ્થાયી થવા માટેના વિઝા મળવાની આશા જ ના રખાય. આ કારણે લોકો અમેરિકા જવા માટે જુદા જુદા રસ્તા અપનાવે છે. તેમાં એક રસ્તો નિકારાગુઆ થઈને મેક્સિકો પહોંચીને અમેરિકામાં ઘૂસી જવાનો છે.
ફ્રાન્સથી જે ફ્‌લાઈટને પાછી ભારત મોકલાઈ તેના પ્રવાસી પણ એ રીતે જ અમેરિકામાં ઘૂસવા માગતા હતા. માટે નિકારાગુઆ જઈ રહેલા પણ નસીબે તેમને સાથ ના આપ્યો તેથી પાછા આવવું પડ્‌યું.
ગુજરાતીઓને વિદેશની ને વિશેષ તો અમેરિકાની ઘેલછા કેમ છે ?
સૌથી પહેલું તો એ કે, ગુજરાતમાં વિદેશમાં રહેવું એક સોશિયલ સ્ટેટસ પણ છે ને તેમાં પણ અમેરિકામાં રહેતા હો તો લોકો તમને અહોભાવથી જુએ છે. જે લોકોને ભારતમાં કોઈ બોલાવતું ના હોય તેમના પર પણ અમેરિકાનું ટેગ વાગી જાય પછી તેમના ભાવ ઉંચકાઈ જાય છે. અમેરિકામાં રહેનારી વ્યક્તિ અમેરિકામાં શું કામ કરે છે એ કોઈ જોતું નથી. ભારતમાં લોકો અમેરિકામાં રહે તેને માન આપે છે, તેની તરફ અહોભાવથી જુએ છે તેથી લોકોમાં વિદેશની ઘેલછા છે.
બીજું એ કે, અમેરિકાનો ડોલર ભારતના રૂપિયા કરતાં બહુ તાકાતવર છે તેથી વિદેશથી ભારત આવીને તમે પાણીની જેમ રૂપિયા વાપરી શકો છો. આ રૂપિયાનો ઉપયોગ કરીને તમે સામાજિક પ્રતિષ્ઠા મેળવી શકો છો. આ પ્રતિષ્ઠા કાયમ માટે રહે છે ને એ વ્યક્તિ વરસે કે બે વરસે ભારત આવે ત્યારે તેને બેહદ માન મળે છે.
આ માનની લાલચમાં લોકો અમેરિકા તરફ ભાગે છે ને તેના માટે ગમે તેવું જોખમ પણ ઉઠાવે છે.
ભારતમાં પૂરતી તકો ઉપલબ્ધ નથી તેથી સારા ભવિષ્ય અને રોજગારની આશામાં પણ લોકો લાખો રૂપિયા ખર્ચીને વિદેશ જવાનું જોખમ ઉઠાવે છે. આપણે ત્યાં લોકો તનતોડ મહેનત કરવા તૈયાર હોય છે પણ તકો જ નથી તેથી લોકો જોખમ ઉઠાવવા પણ તૈયાર થઈ જાય છે.
ગુજરાતીઓ અમેરિકા જવા જીવની પણ પરવા કરતા નથી એ સાબિત કરતા બે કિસ્સા ગયા વરસે બનેલા. પહેલા કિસ્સામાં એક પટેલ પરિવારના ચાર લોકો મોતને ભેટેલાં જ્યારે બીજા કિસ્સામાં ચૌધરી પરિવાર મોતને ભેટેલો.
આજથી લગભગ એક વરસ પહેલાં ઉત્તર ગુજરાતમાં આવેલા કલોલ પાસેના ડિંગુચાનો પટેલ પરિવાર અમેરિકા-કેનેડા બોર્ડર પર માઇનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં થીજીને મોતને ભેટ્યો હતો. ૩૯ વર્ષના જગદીશ પટેલ તેમના ૩૭ વર્ષીય પત્ની વૈશાલીબેન, ૩ વર્ષના દીકરા ધાર્મિક અને ૧૨ વર્ષની દીકરી વિહાંગી સાથે પગપાળા બરફમાં ચાલીને અમેરિકામાં ઘૂસવા જતા હતા પણ કાતિલ ઠંડીએ આખા પરિવારનો ભોગ લઈ લીધેલો.
આ ઘટના તાજી હતી ત્યાં જ એપ્રિલ મહિનામાં ગાંધીનગર પાસેના માણેકપુરના ચૌધરી પરિવાર સાથે આવી જ કરૂણાંતિકા બની ગઈ હતી. માણેકપુરના ૫૦ વર્ષના પ્રવિણ ચૌધરી પોતાના પત્ની દક્ષા, પુત્રી વિધી અને પુત્ર મિત સાથે હોડીમાં બેસીને અમેરિકા ઘૂસવા જતા હતા ત્યારે હોડી ડૂબી જતાં મોતને ભેટેલા. કેનેડાના ક્યુબેક સ્ટેટ અને અમેરિકાના ન્યુયોર્કની સરહદે આવેલી સેંટ લોરેન્સ નદીમાં હોડીમાં બેસાડીને એજન્ટો તેમને અમેરિકામાં ઘૂસાડવા મથતા હતા ત્યારે હોડી ડૂબી જતાં ૮ લોકોનાં મોત થયેલાં. તેમાં ચૌધરી પરિવાર પણ હતો.
આ બંને ઘટનાએ લોકોને હચમચાવી નાંખેલા. આખો પરિવાર ઠંડીમાં થીજીને મોતને ભેટે કે ડૂબી જવાથી મોત થાય એ આઘાતજનક જ કહેવાય. આ બંને ઘટનાઓ પરથી બોધપાઠ લઈને ગુજરાતીઓ કદાચ હવે પટેલ પરિવાર કે ચૌધરી પરિવારની જેમ જીવ જોખમમાં મૂકાય એ રીતે અમેરિકામાં ઘૂસના પ્રયત્ન નથી કરતા પણ મોહ તો નથી જ ઘટ્યો એ સ્પષ્ટ છે. નિકારાગુઆ થઈને મેક્સિકો સરહદે પહોંચીને પછી અમેરિકામાં ઘૂસવાનો રસ્તો પણ જોખમી તો છે જ. તેના પરથી સ્પષ્ટ છે કે, ગુજરાતીઓ અમેરિકા જવા માટે જોખમ ઉઠાવવા હજુય તૈયાર જ છે.
અમેરિકામાં ભારતીયો ને ખાસ તો ગુજરાતીઓ શું કરે છે ?
ભારતમાં રહેનારા લોકોને અમેરિકામાં રહેતા ગુજરાતીઓની જીંદગી ડ્રીમ લાઈફ લાગે છે પણ વાસ્તવમાં એવું નથી. અમેરિકા ગયેલા ગુજરાતીઓમાંથી ઘણા ગુજરાતીઓ નામ કમાય છે, પૈસા કમાય છે, પ્રતિષ્ઠા કમાય છે ને લેવિશ કહી શકાય એવી લાઈફ પણ જીવે છે પણ એવા લોકોની સંખ્યા બહુ નાની છે. જે લોકો સ્ટુડન્ટ વિઝા પર જાય છે ને
આભાર – નિહારીકા રવિયા પછી સારી નોકરી મેળવી લે છે તેમની જીંદગી બહેતર હોય છે. અથવા અહીં ગ્રેજ્યુએશન કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાય પછી સારી રીતે સેટ થઈ જાય તો પણ જીંદગી સુધરી જાય છે. ડોક્ટર, એન્જીનિયર, આઈટી પ્રોફેશનલ્સ કે બીજા સ્કીલ્ડ લોકોની જીંદગી પણ સારી હોય છે પણ એવા લોકોની સંખ્યા બહુ નાની છે.
ગુજરાતમાંથી પરિવાર સાથે અમેરિકા જતા ગુજરાતીઓમાંથી ૯૦ ટકા ગુજરાતીઓની જીંદગી ગુજરાતની તેમની જીંદગી કરતા અલગ હોતી નથી. બલ્કે ગુજરાત કરતાં પણ ખરાબ હોય છે. મોટા ભાગના ગુજરાતીઓ અહીં જે કરતા તેમને શરમ આવે છે એવા કામ કરે છે. સબ-વેમાં વેઈટર તરીકે કામ કરવું કે પોતાં મારવા, એરપોર્ટો પર ચોકીદાર કે સફાઈ કામદાર બની રહેવાની જીંદગી, નાના નાના સ્ટોરમાં નોકરી કરવાની, ગેસ સ્ટેશન એટલે કે પેટ્રોલ પંપ પર ગેસ ભરી આપવાની નોકરીઓ એ લોકો કરે છે. આ નોકરી બદલ તેમને કલાકના હિસાબે નાણાં મળે છે. સ્ત્રીઓએ પણ મેઈડ તરીકે કે બીજા નાના-નાના કામ કરીને પરિવારને મદદરૂપ થવું પડે છે.
ઘણા લોકો થોડા ઘણા પૈસા કમાય તો નાના સ્ટોર બનાવી લે છે કે પછી મોટલ ખોલે છે. આ સ્ટોર નાના કરિયાણા કે કટલરી સ્ટોર જેવા હોય છે તેથી તેમાં કેટલી કમાણી થતી હશે તેની કલ્પના કરી શકાય. મોટલોમાં પણ સારું કામ કરવાનું હોતું નથી કેમ કે અમેરિકામાં મોટલો હાઈવે પર આવેલી હોય છે. આ કારણે મોટલોમાં રહેવા આવનારા કેવા હશે તેની કલ્પના કરવી અઘરી નથી. આ મોટલોમાં કાળિયાઓની ગંદકી સાફ કરવા સહિતના કામ એ લોકો કરે છે.
આ વાસ્તવિકતા છે ને કોઈ તેને નકારી શકે તેમ નથી. કોઈએ શું કામ કરવું ને શું ના કરવું એ તેમની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા ભોગવવાનો તેમને અધિકાર છે તેથી તેના વિશે આપણે કોઈ પણ ટીકા-ટીપ્પણી ના કરવી જોઈએ પણ વાત એટલી જ છે કે જે ડ્રીમ સાથે એ લોકો અમેરિકા જાય છે એવું કશું તેમને મળતું નથી.
સવાલ એ છે કે, અમેરિકામાં સપના પ્રમાણેની જીંદગી મળતી નથી છતાં ગુજરાતીઓ કેમ પાછા આવતા નથી ?
આ સવાલનો જવાબ સરળ છે.
અમેરિકા અને ભારતના ચલણના તફાવતના કારણે લોકો અમેરિકા તરફ આકર્ષાય છે. અમેરિકાના એક ડોલરની કિંમત અત્યારે ૮૪ રૂપિયાની આસપાસ છે. તેના કારણે અમેરિકામાં મહેનત કરીને મેળવાતી કમાણી ભારતમાં અધધ લાગે છે. અમેરિકામાં તમે સેંકડોમાં કમાઓ એ ભારતમાં હજારોમાં થઈ જાય છે ને હજારોમાં કમાઓ એ લાખોમાં થઈ જાય છે. ગુજરાતમાં લાખ રૂપિયાની નોકરી મેળવવી પણ અઘરી છે જ્યારે વિદેશમાં મજૂરી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકાય છે એવી માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે.
આ માન્યતાના કારણે મોટા ભાગના લોકો અમેરિકા તરફ ભાગે છે. થોડા વરસો મહેનત કરવાથી જીંદગીભરની શાંતિ મળશે ને પોતાના સંતાનોને અમેરિકાની સિટિઝનશીપ મળી જશે તો તેમની લાઈફ બની જશે એવું વિચારીને લોકો અમેરિકા જાય છે. મોટા ભાગના લોકો એમ જ માને છે કે, અમેરિકામાં મજૂરી કરીને થોડા વરસોમાં જ લાખો રૂપિયા કમાઈ લઈશું ને પછી ભારત પાછા આવીને શાંતિથી જીવી શકીશું.
જો કે એક વાર અમેરિકા ગયા પછી પાછા આવી શકાતું નથી કેમ કે અમેરિકા છૂટતું નથી. અમેરિકામાં સ્વતંત્રતા અને સામાજિક સુરક્ષા છે. ભારતમાં લોકો સામાજિક રીતિરીવાજો અને તેને લગતા ખર્ચાના કારણે બેવડ વળી જાય છે પણ અમેરિકામાં એ બધી જફામારી નથી. વિદેશમાં અંગત જીંદગી પણ સરળ છે કેમ કે કોઈ તમારી જીંદગીમાં ચંચૂપાત કરતું નથી. સામાજિક રીતે તમે મુક્ત જીવન જીવી શકો છે. અમેરિકામાં સિટિઝન બની ગયા પછી સામાજિક સુરક્ષા મળે છે. બીમાર પડો, બેરોજગાર થાઓ કે ઘડપણ આવે ત્યારે સરકાર જવાબદારી ઉઠાવે છે.
આ બધા આકર્ષણોને કારણે અમેરિકા કોઈનાથી છૂટતું નથી.