હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાય તેવી આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ આગામી ૪૮ કલાકમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે. માવઠાની સાથે-સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથવાત રહેશે. ગુજરાતવાસીઓએ ૧૫ ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો એહસાસ કરવો પડશે. જેમ ગરમી અને ચોમાસું લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે. ડિસેમ્બર ૧૪થી ૧૯ તારીખ સુધી તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી વધી શકે છે. ૧૯ તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડીનો એહસાસ વધશે.
ડિસેમ્બર મહિનામાં આંશિક રીતે માવઠું પડે એવી શકયતાઓ દેખાઈ રહી છે. અમુક વિસ્તાર પૂરતું મર્યાદિત આ માવઠું હોઈ શકે છે, અન્ય માવઠાનો રાઉન્ડ જાન્યુઆરીમાં પણ આવી શકે છે. જે માટે આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે. ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો નીચો રહેશે જ્યારે ફેબ્રુઆરીમાં તાપમાન ઠંડુ રહેશે પણ તાપમાન બે મહિનાની સરખામણીએ ઊંચું રહેશે.
રાજ્યમાં શિયાળાની જમાવટ થઇ છે. કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ૬ ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર છે. ડીસામાં ૯.૧ ડિગ્રી, રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી તાપમાન, ભુજમાં ૧૧.૨ ડિગ્રી, અમદાવાદમાં ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ૧૨ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે છે. અમદાવાદ સહિત અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે. શીતલહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.