ઇન્ટરનેશનલ ઇન્સટીટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના અહેવાલ મુજબ, માર્ચ ૨૦૨૫ સુધીમાં ગુજરાતની વસ્તી ૭.૩૨ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. એક અહેવાલ મુજબ, ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૬.૬૨ કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. દેશની ૧૪૧.૩૨ કરોડની વસ્તી સામે ૧૩૩.૫૫ કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે, જેનો અર્થ એ થયો કે ૭.૭૭ કરોડ લોકો પાસે આધાર કાર્ડ નથી અને ગુજરાતમાં ૭૦ લાખ લોકો પાસે આધાર કાર્ડ નથી.
મળતી માહિતી મુજબ, આધાર ડેશબોર્ડ મુજબ, ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં તેમની વસ્તી કરતા ઓછા આધાર કાર્ડ છે. આમાંથી, સાબરકાંઠામાં સૌથી વધુ લોકો એટલે કે ૩૦ ટકા લોકો પાસે આધાર કાર્ડ નથી. આ ઉપરાંત જૂનાગઢ, જામનગર, પંચમહાલ, વડોદરા, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, છોટાઉદેપુર અને ભાવનગરનો પણ સમાવેશ થાય છે. દેશના ૮૫% આધાર કાર્ડ ધારકોએ પણ પોતાનો આધાર અપડેટ કરાવ્યો છે. દેશમાં ૨૦૦૯-૧૦ થી ૨૦૨૩-૨૪ દરમિયાન આધાર કાર્ડ પર ૧૭૫૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.
જિલ્લો આધારકાર્ડ
સાબરકાંઠા ૭૦%
જૂનાગઢ ૭૧%
જામનગર ૭૫%
પંચમહાલ ૮૧%
વડોદરા ૮૭%
ગુજરાતમાં કુલ આધાર કાર્ડ ધારકોમાંથી ૪૭.૬૨% મહિલાઓ છે. જ્યારે ૫૨.૩૮% પુરુષો છે. કુલ આધાર કાર્ડ ધારકોમાં ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ ૭૬.૬૮% છે. જ્યારે ૫ વર્ષથી ૧૮ વર્ષની વયના બાળકોનું પ્રમાણ ૨૦.૪૪% છે. કુલ આધાર કાર્ડ ધારકોમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું પ્રમાણ ૨.૮૮% છે. મોટાભાગના રાજ્યોમાં અને સમગ્ર દેશમાં પણ, મહિલાઓ માટે આધાર કાર્ડનો ગુણોત્તર પુરુષો કરતાં ઓછો જોવા મળે છે. નાગાલેન્ડમાં, ફક્ત ૬૨.૩૧% વસ્તી પાસે આધાર કાર્ડ છે. અરુણાચલ પ્રદેશમાં ૭૯.૦૧%, મેઘાલયમાં ૮૦.૫૦%, મણિપુરમાં ૮૨.૩૩% અને સિક્કિમમાં ૮૪.૩૧% લોકો પાસે આધાર કાર્ડ છે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તેમની વસ્તીના પ્રમાણમાં ઓછા આધાર કાર્ડ છે.










































