ખેડા જિલ્લામાં લગભગ ૧૦ દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. કપડવંજ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
કપડવંજ પંથકમાં વરસાદના આગમનથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. ખાસ કરીને વરસાદની આતુરતાથી રાહ જાઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. પાક માટે પાણીની જરૂરિયાત વચ્ચે મેઘરાજાની હાજરીથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.અમરેલી જિલ્લાના બગસરામાં પણ લગભગ ૧૦ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી વરસાદના અભાવે ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. બગસરામાં વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં સ્થાનિકોમાં પણ રાહતની લાગણી જાવા મળી હતી.ખેડા અને અમરેલી સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોની આશા પણ વધી છે. પાકને જરૂરી પાણી મળી રહે અને આગામી દિવસોમાં વરસાદનું જાર યથાવત રહે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદને કારણે ખેતી માટે પણ નવી આશા ઊભી થઈ છે.એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ માટે લાંબો વિરામ જાવા મળ્યો હતો, ત્યારે હવે વિવિધ જિલ્લાઓમાં ફરી મેઘરાજાની હાજરી નોંધાઈ રહી છે. ખેડા અને અમરેલી બાદ અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા વચ્ચે લોકો અને ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે.









































