ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે ૯મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી આજની માહિતી પ્રમાણે, આજથી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આજની આગાહીમાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે ત્રીજી સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ચોથી સપ્ટેમ્બરના રોજ બે તાલુકામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

પાંચમી તારીખે, સુરત, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ એટલે કે, અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છઠ્ઠી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સાતમી તારીખે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ એલર્ટ નથી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.