સમગ્ર દેશમાં બરાબર શિયાળો જોમ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુંઠવાઇ ગયું છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ, નલિયામાં તાપમાન ૯ ડીગ્રી સુધી નીચે સરકી ગયું. ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.
રાજ્યમાં અનેક શહેરોમાં સતત પારો ગગડવા લાગ્યો છે. પવન સાથે ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ૧૨ ડિગ્રી નીચે પહોંચ્યો છે. ત્યારે નલિયામાં ૯ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને કેપિટલ સીટી ગાંધીનગરનાં તાપમાનમાં પણ રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બન્ને શહેરોમાં ૧૨ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે જેના કારણે રાત્રે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો વધુ ગગડશે. ત્યારે ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં માઈનસ ૧ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે જેને લઈને ઠંડીનું મોજું ફરી વળશે. જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાત્રે તો ઠીક દિવસે પણ લોકો સ્વેટર અને શાલમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યનાં તાપમાનમાં હજુ
ઘટાડો થશે એટલે કે ઠંડીનું જોર વધશે.