ભાદરવો ભરપૂર ઉક્તિ સાર્થક ઠરી રહી હોય તેમ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે (૨૮મી સપ્ટેમ્બર) બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં ૨.૪૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરતના ઓલપાડમાં ૧.૭૩ ઈંચ, વાંપીમાં ૧.૫૦ ઈંચ અને કપરાડામાં ૧.૪૨ ઈંચ જેટલો વરસાદ નોંધાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (૨૮મી સપ્ટેમ્બર) સુરત, ભાવનગર, અમરેલી, તાપી અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ સંભાવના નથી.
સુરત શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી આજે બપોરે ૧૨ કલાકે ૩૪૪ ફૂટ પર પહોંચી હતી.
વડોદરાના શિનોરમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે સાધલી, અવાખલ, ઉતરાજ, મિઢોળ, ટીમ્બરવા સહિત ગામડામાં વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાયા હતી. આ ઉપરાંત મુખ્ય માર્ગોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
મહેસાણામાં ૨ દિવસ સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. ભારે પવનને લઈને કપાસ, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. .પંચમહાલમાં ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વાવડી બુઝર્ગ, ચાંચેલાવ, કાસુડી ગામમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
મહેસાણા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ધરોઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. ધરોઈ ડેમમાં પાણીની ૯૨૫૮ ક્યૂસેક આવક નોંધાઈ છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો ૮૪.૪૮ ટકા થયો છે. ધરોઈ ડેમની જળ સપાટી ૬૧૭ ફૂટે પહોંચી છે.