અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ફરી એકવાર ધરા ધ્રૂજી ઉઠી છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં માત્ર ૪ કલાકના ટૂંકા ગાળામાં ભૂકંપના ૭ આંચકા અનુભવાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રિથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં મીતીયાળા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ધ્રુજારીની અસર મીતીયાળા ઉપરાંત ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધી જાવા મળી હતી. વારંવાર આવતા આ આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં ગત રાત્રિના સમયથી શરૂ થયેલા ભૂકંપના આંચકાઓએ મીતીયાળા અને આસપાસના ગામોમાં લોકોની ઊંઘ હરામ કરી નાંખી હતી. અમરેલી જિલ્લાના મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સુધી આ આંચકાઓ અનુભવાયા હતા.
ભૂકંપના આંચકાઓની વિગતવાર માહિતી પર નજર કરીએ તો સવાર ૪.૧૫ મિનિટે ૧.૮ ની તીવ્રતાનો આંચકો, ત્યારબાદ ૪.૧૬ મિનિટે ૨.૩ ની તીવ્રતાનો આંચકો, ૪.૨૪ કલાકે ૧.૦ ની તીવ્રતાનો આંચકો, ૪.૫૭ મિનિટે ૧.૪ ની તીવ્રતાનો આંચકો, ૭ કલાકે ૨.૨ ની તીવ્રતાનો આંચકો આવ્યો, ૭.૧૫ મિનિટે ૩.૫૮ ની તીવ્રતાને આંચકો આવ્યો અને ૭.૫૧ મિનિટે ૧.૫ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
ગાંધીનગર સ્થિત સિસમોલોજી વિભાગ દ્વારા આ આંચકાઓની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે ૪૩ કિલોમીટર દૂર નોંધાયું છે. સવારે ૭ઃ૧૫ વાગ્યે અનુભવાયેલો ૩.૫૮ ની તીવ્રતાનો આંચકો પ્રમાણમાં જારદાર હોવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આખી રાત ચાલું રહેલા ભૂકંપના આંચકાઓને કારણે મીતીયાળા પંથકના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.









































