સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં બોટાદવાળી થવાનો ડર છે. સૌરાષ્ટ્ર એ ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે, જ્યાં કદડા પ્રથા બંધ કરવા માંગ ઉઠી રહી છે. હવે જાવું એ રહ્યું કે, ગુજરાતમાં ખેડૂત આંદોલન કેવું અને કેટલુ સળગશે, અને આંદોલનની આ આગના પડઘા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહિ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આજે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો.બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મૂળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો, તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી ૭૦ મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું ૨૫૦ મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી રાખવામાં આવી હતી.તે ઉપરાંત બોટાદના કડદા ગામમાં ૮૫ ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરી દમન સહિત કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા, નિર્દોષ ખેડૂતોને ન્યાય મળે અને પોલીસ દ્વારા પરિવાર સાથે કરાયેલા દમનની તપાસ થાય તેવી માંગ સાથે અવેદનપત્ર પાઠવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન કિસાન એકતા મંચના આગેવાનોએ જા ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મૂળ મામલતદાર કચેરી આગળ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતો દ્વારા ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો.કિસાન એકતા મંચના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ લડત ખેડૂત હક માટેની છે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓની લડત ચાલુ રહેશે.તો બીજી તરફ, ખેડૂત આંદોલન મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી રાજ્યની એપીએમસીમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા આગામી ૩૧ ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે. તેમજ આ ખેડૂત મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જાડાશે.વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસ, એક શહેર/જિલ્લો તેવી રીતે કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. જેમાં જન આક્રોશ સભા કરવામાં આવશે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં માવઠા પડી રહ્યા છે. જગતના તાતની સ્થિતિ દયનીય થઈ છે. સરકારે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જાઈએ તેને બદલે સરકારનું વલણ અલગ છે. ખેડૂતોને માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાયા, પાકમાં નુકસાન થયું છે. માવઠા અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. ખેડૂતો ઓપન બજારમાં(યાર્ડમાં) પાક વેચવા જાય તો પૂરતા ભાવ મળતા નથી. વચેટીયા અને કમિશન એજન્ટ કમિશન વસૂલે છે.જ્યારે કોઈ ખેડૂત પોતાની જણસ લઈને એપીએમસીમાં વેચાણ માટે જાય છે, ત્યા તે જણસની ખુલ્લામાં હરાજી કરવામાં આવે છે અને તેને ખરીદી કરેલા વેપારીના જીન પર નાંખવા માટે જ્યારે ખેડૂત જાય છે ત્યારે તેના જણસની ગુણવત્તાને લઈને કે બીજી કોઈ રીતે એપીએમસીમાં જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તેના કરતા ઓછા ભાવ આપવામાં આવે છે, તેને કડદો કહેવામાં આવે છે. (ઉદાહરણ તરીકેઃ કોઈ ખેડૂત માર્કેટીંગ યાર્ડમાં કપાસ વેચવા માટે જાય છે અને વેપારી દ્વારા કપાસને ૧૩૫૦ રૂપિયામાં ખરીદવામાં આવે છે અને ખેડૂતને ચીઠ્ઠી આપીને વેપારીના જીનમાં ખાલી કરવા માટે મોકલવામાં આવે છે, જ્યા વેપારીના બીજા માણસો જ્યારે ખેડૂત કપાસ ઉતારતો હોય ત્યારે તેનો કપાસ ચેક કરવા આવે છે અને કપાસની ગુણવત્તા અને ખરાબ હોવા જેવા વિવિધ બહાના કાઢીને એપીએમસીમાં આપવામાં આવેલા ૧૩૫૦ ભાવ ઓછા ૯૦૦ રૂપિયાનો જ હોવાનું જણાવે છે અને જ્યારે ખેડૂત આજીજી કરે છે ત્યારે કપાસના ભાવમાં ૧૦૦૦ રૂપિયા સુધી ભાવ કહે છે.આખરે ખેડૂત ઓછા ભાવે માની જાય છે, ત્યારે ખેડૂતનો ૧૩૫૦ રૂપિયાનો કપાસ ૧૦૦૦ રૂપિયામાં ખરીદે છે એટલે તેમાં ૩૫૦ રૂપિયાનો કડદો વેપારીએ કર્યો કહેવાય.)સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લખ્યો મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો. તેમણે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનમાં ખેડૂતોને મદદરૂપ થવા માંગ કરી.