ઉનાળામાં ગુજરાતનાં દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું હોવાનો દાવો ગુજરાત સરકારના મંત્રી તથા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કર્યો હતો. ગુજરાતનાં ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. રાજ્યમાં ૧૪,૮૯૫ એમસીએફટી પાણીની જરૂરીયાત સામે ૨.૨૩ લાખ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ થયો છે.
ગુજરાતનાં ૨૦૭ જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ ૦૬ ટકા વધુ કુલ ૪,૩૯,૧૨૯ એમસીએફટી જેટલુ પાણી સંગ્રહિત થયેલું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે, ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતનાં નાગરિકોને પીવા માટેનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. જ્યારે, હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના ૧૪,૮૯૫ એમસીએફટી પાણીની જરૂરીયાત સામે આ જળાશયોમાં કુલ ૨,૨૩,૪૩૬ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સ્થિતીએ રાજ્યના સરદાર સરોવર ડેમ સહિતના કુલ ૨૦૭ જળાશયોમાં પણ કુલ ૪,૩૯,૧૨૯ એમસીએફટી જેટલુ પાણી સંગ્રહિત છે. આ જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૦૬ ટકા જેટલું વધુ છે.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, હાલમાં રાજ્યના ૧૫,૭૨૦ ગામોને સરફેસ સોર્સ આધારીત જુથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે, બાકીના ૨,૪૩૨ ગામો ભૂગર્ભ જળ આધારીત યોજનાઓથી પીવા માટેનું પાણી મેળવી રહ્યા છે. આ ગામોને પણ જુથ યોજનામાં આવરી લેવા માટેના કામો હાલ પ્રગતિ હેઠળ છે. આમ, રાજ્યના તમામ ૧૮,૧૫૨ ગામોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડેમોમાં ૧૫ જુલાઇ, ૨૦૨૫ સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત રાખ્યા બાદ બાકીના પાણીના જથ્થાનો વપરાશ સિંચાઇ માટે કરવામાં આવે છે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.







































