ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ છે, સિઝનમાં પહેલીવાર તાપમાન ૪૫ ડિગ્રીને પાર થયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર તાપમાન ૪૫.૬ ડિગ્રી નોંધાયું હતું અને રાજકોટ ૪૪.૪ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યભરમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ છે, જ્યારે ૯ જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરેન્દ્રનગરમાં ૪૪.૩ ડિગ્રી તાપમાન, અમરેલીમાં ૪૩.૫ ડિગ્રી તાપમાન, ભુજમાં ૪૩.૮ ડિગ્રી તાપમાન, ડીસામાં ૪૨.૩ ડિગ્રી તાપમાન, અમદાવાદમાં ૪૧.૮ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી, વડોદરામાં ૪૦.૨ ડિગ્રી તાપમાન, નલિયામાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ-ગાંધીનગરમાં રાત્રે સૌથી વધુ ગરમી અનુભવાઈ રહી છે અને રાજ્યમાં લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ પવન ફૂંકાય તેવી શક્્યતા છે. બે દિવસ સુધી તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થશે અને વધુ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પૂર્વીય પવનોની સાથે ગરમી પણ વધશે. રાજ્યના ૧૦ થી વધુ વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે. ગઈકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આગામી ૭ દિવસ માટે ગરમીના મોજા માટે યલો અને ઓરેન્જ રંગના એલર્ટ જાહેર કર્યુ છે. આજથી ૨ મે સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ૩ મેના રોજ ફરીથી યલો એલર્ટ આપવામાં આવશે. ૨૯ થી ૩૦ એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશના નજીકના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મે મહિનામાં ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળશે.