ગુજરાતમાં ગઈકાલે સાંજે આંધી જેવા તોફાની પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. હવામાં ધૂળની ડમરીઓ ઉડી હતી. માટીના વંટોળમાં કંઈ દેખાય નહિ તેવી હાલત હતી. અનેક શહેરોમાં વંટોળથી અંધારપટ છવાયો હતો, અને ઠેર ઠેર હો‹ડગ્સ તૂટી પડવાની ઘટના બની હતી. ત્યારે લોકોને તૌકતે વાવાઝોડુ યાદ આવી ગયું હતું. ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું. જેણે સમગ્ર ગુજરાતમાં તારાજી સર્જી હતી. ત્યારે આજે પણ ગુજરાતના અનેક શહેરોમાં આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદ તૂટી પડ્યો છે.
ખરાબ વાતાવરણ બાદ લોકોને ફરી ૨૦૨૧ નો મે મહિનો યાદ આવી ગયો હતો. વર્ષ ૨૦૨૧ માં ૧૭ મેના રોજ તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું. ત્યારે બસ આ જ સમયે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર વાવાઝોડા રૂપે કુદરતે કહેર વરસાવ્યો હતો. વરસાદ અને ભારે પવન વચ્ચે કેરીના પાકને વ્યાપક નુકસાની થઈ છે. અનેક શહેરોમાં અંધારું અને ધૂળની આંધી વચ્ચે અજંપા ભરી સ્થિતિ બની હતી. ગાંધીનગરમાં ભારે પવનને કારણે સેક્ટર-૨૫ મા ધાબા પર રહેલ મોબાઈલ ટાવર ઉખડીને નીચે પડ્યો. હતો. ભારે પવનના કારણે મીની મોબાઈલ ટાવર ઉખડીને નીચે પડ્યો હતો. જેની તસવીર કેમેરામાં કેદ થઈ હતી.
કમોસમી વરસાદમાં વીજળી પડતા રાજ્યમા બે લોકોના મોત નિપજ્યા છે. તો એકનું વીજળી પડતા તો અન્ય એકનું કાચું મકાન પડતાં મોત થયું છે. અરવલ્લીમાં માલપુરના જીતપુર ગામે વીજળી પડતાં બાઈક પર જતા ખેડૂતનું મોત થયું, તો હિંમતનગરના આગીયોલમાં કાચું ઘર પડતાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સુજાનગઢ ગામે ગાજવીજ સાથે વરસાદ દરમ્યાન અવકાશી વીજળી પડતા મહિલાનું મોત નિપજ્યું છે. જિલ્લાના થાનના નળખભા ગામે વાડીમાં બાંધેલા પશુઓ પર પણ વજળી પડી હતી. જેમાં બે ગાયોના મોત નિપજ્યા છે. અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામે વીજળીના કડાકા વચ્ચે માલધારીના બકરાઓનો ભોગ લેવાયો છે. વીજળી પડવાના કારણે માલધારીના ૨૦ ઉપરાંત બકરાના મોત થયા છે. તંત્ર દ્વારા માલધારીને મદદ કરવા માટે પંચરોજ કામગીરી હાથ ધરાઈ હતી.